રાજપીપળા માં હરસિદ્ધિ માતાજીના સ્થાનકની સ્થાપનાથી શરૂ થયેલી પરંપરાનો ઐતિહાસિક વારસો આજે પણ યથાવત.

Published on BNI NEWS 2022-10-04 20:16:11

    • 04-10-2022
    • 1957 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
    - માં હરિસિદ્ધિને કદાચ રાજપીપળા વધારે પસંદ હતું અને એટલે જ તેઓ અહીં રોકાઈ ગયા હતા જ્યાં તેમનું મંદિર બન્યું છે : રાજવી પરિવારના  રૂકમણીદેવી ગોહિલ
    - ઈ.સ.૧૬૬૦ માં વેરીશાલજી મહારાજે રાજપીપળામાં માં હરિસિદ્ધિના મંદિરની સ્થાપના કરી હતી : એક વર્ષ પૂર્વે મંદિર પરિસરમાં વેરીશાલજી મહારાજની પ્રતિમાનું પણ થયું હતું અનાવરણ
    - પરિસરની બહાર યોજાતા ભાતીગળ મેળામાં ચાર રાજ્યના લાખો લોકો બને છે સહભાગી   સામાન્ય રીતે મંદિરોમાં આરતી બે વખત થાય છે, પરંતુ માં હરસિદ્ધિના મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે જેનો અનોખો મહિમા રહેલો છે : મંદિરના ટ્રષ્ટી ભાસ્કરભાઈ સોની
    - નવરાત્રી દરમ્યાન મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાત માંથી લાખોની સંખ્યામાં ભક્તો બાધા આખડી પૂરી કરવા માંના દરબારમાં દર્શનાર્થે ઉમટી પડે છે. 
    ઈ.સ.૧૬૬૦ માં રાજપીપળાના રાજા વેરીશાલજી મહારાજ છેક ઉજ્જૈન (મધ્યપ્રદેશ) થી પોતાના કુળદેવી મા હરિસિદ્ધિને પ્રસન્ન કરીને પોતાની સાથે રાજપીપળા લઈને આવ્યા હતા.માં હરિસિદ્ધિ બાલિકા સ્વરૂપે વાઘ પર આવી રહ્યા હતા.રાજાને માતાજીએ આપેલી શરત ચૂક્યા એટલે માતાજી ત્યાં જ થોભી ગયા અને તે દિવસ હતો આસો સુદ આઠમ રાજપીપળામાં આ જ તિથિએ ઈ.સ.૧૬૬૦ માં રાજા વેરીશાલજી મહારાજે માં હરિસિદ્ધિનું ભવ્ય મંદિર બનાવ્યું હતું.જેથી નવરાત્રી દરમ્યાન અહીં આઠમનું ખૂબજ મહત્વ રહેલું છે.માં હરસિદ્ધિના મંદિર પરિસરમાં વીર વેતાળ અને મહાબળેશ્વર મહાદેવનું સ્થાન પણ બનાવાયું હતું. રાજપીપળાના માં હરિસિદ્ધિના આ મંદિરે હાલમાં પણ લોકો મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાત માંથી લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે. અહીં તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે.તે વખતના રાજવી પરિવાર દ્વારા આસો સુદ નૌમના દિવસે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવતું હતું.જે પરંપરા આજે પણ ચાલી આવે છે.પ્રતિ વર્ષ રાજવી પરિવારના મોભી રઘુવિરસિંહજી ગોહિલ આ યજ્ઞમાં હાજરી આપે છે.સાથો સાથ આ સ્થાનક પર વર્ષોથી યોજાતા ભાતીગળ મેળામાં લોકો મ્હાલવા પણ આવે છે. 
    રાજપીપળાના ઐતિહાસિક વારસા અને માં હરસિદ્ધિના મંદિર પરિસરમાં ચાલી આવતી નવરાત્રિની પરંપરા વિશે વાત કરતા રાજવી પરિવારના રૂકમણીદેવી ગોહિલે જણાવ્યું હતું કે, માતાજીનું મૂળ મંદિર ઉજ્જૈનમાં છે ત્યાંથી અહીંયા વેરીશાલજી મહારાજ માતાજીને લાવ્યા હતા. વેરીશાલજી મહારાજની પ્રતિમાનું ગયા વર્ષે જ મંદિર પરિસરમાં અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.રાજપીપળાનું મંદિર વેરીશાલજી મહારાજે બંધાવ્યું હતું.કદાચ રાજપીપળા માતાજીને વધારે પસંદ હતું એટલે તેઓ અહીં રોકાઈ ગયા હતા અને ત્યારથી આ મંદિર અહીં આવેલું છે.વેરીશાલજી મહારાજથી લઈને અંદાજે ૪૨૧ વર્ષ થયા ત્યારથી સતત મંદિરમાં રાજવી પરિવાર દ્વારા પૂજા કરવામાં આવે છે.નૌમનો હવન પણ થાય છે.હવે અહીંયાના યુવક મંડળ (રાજપૂત સમાજ) દ્વારા નવરાત્રિમાં છઠના દિવસે તલવાર આરતી પણ કરવામાં આવે છે.તે પહેલાં રાજવંત પેલેસ ખાતેથી રાજવી પરિવારની આગેવાનીમાં રાજપૂત સમાજ દ્વારા તલવાર રેલી યોજી મંદિર સુધી લઈ જવામાં આવે છે.માં હરસિદ્ધિનું અનેરૂં મહત્વ છે અને બહુ જ ચમત્કારી માતાજી છે,એટલે જ આપણે જે પણ ઈચ્છા રાખી હોય તે ભક્તો તેમની સમક્ષ લઈને જાય તો તે માતાજી અવશ્ય પૂરી કરે છે.
    હિન્દુ દેવસ્થાન ટ્રસ્ટ રાજપીપલાના ટ્રસ્ટી  ભાસ્કરભાઈ સોનીએ મંદિરના મહાત્મય અને ભાતીગળ મેળાની પરંપરા અંગે જણાવ્યું હતું કે, રજવાડી અને ઐતિહાસિક નગરી રાજપીપલામાં બિરાજમાન માં હરસિધ્ધિના શક્તિપીઠનું એક વિશેષ આકર્ષણ રહેલું છે.લાખોની સંખ્યામાં ભક્તો મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાતમાંથી નવરાત્રીના નવ દિવસ માટે બાધા આખડી પૂરી કરવા અને પોતાની માનતા પરિપૂર્ણ કરવા માંના દરબારમાં લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. 
    માં હરસિદ્ધિના ઈતિહાસની વાત કરીએ તો આજથી આશરે ૪૨૧ વર્ષ પહેલાં નવરાત્રીની અષ્ટમીના દિવસે માં હરસિદ્ધિ રાજપીપળા નગરીમાં પધાર્યા હતા.આપણે જેના દર્શન કરીએ છીએ તે માં હરસિદ્ધિ આ જગ્યાએ સ્થાયી થયા.કાળક્રમે રાજગાદી જુનારાજથી રાજપીપળા આવી જે નાંદોદ તરીકે ઓળખાતું હતું.આજે રાજપીપળા તરીકે ઓળખાય છે.વર્ષ ૧૯૩૫ માં મહારાજા વિજયસિંહજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.ત્યાર પછી વખતો વખત મંદિરનો વિકાસ થયો. હાલમાં આ મંદિરનો વહિવટ હિન્દુ દેવસ્થાન કમિટી - રાજપીપલા દ્વારા થઈ રહ્યો છે. 
    મંદિરના મહાત્મ્ય વિશે વાત કરતા ટ્રસ્ટી ભાસ્કરભાઈ જણાવે છે કે દરેક મંદિરમાં આરતી સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવે છે. પરંતુ માં હરસિદ્ધિના મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે.સવારે, સાંજે અને રાત્રે ૧૨ કલાકે આરતી જેનો અનોખો મહિમા રહેલો છે.એક વિશિષ્ટ પરંપરા રાજવી પરિવાર સાથેની છે,તેમના કુળદેવી છે એટલા માટે રાજવી પરિવાર વારંવાર આ મંદિરોના દર્શન-મુલાકાત પણ લે છે.નૌમના નવચંડી યજ્ઞામાં રાજવી પરિવાર દ્વારા આયોજન કરવા સાથે વિજયા દશમીના દિવસે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે.મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રતિ વર્ષ રાજપીપલાના જ એક ભક્ત દ્વારા નવરાત્રીમાં આઠમના દિવસે ભક્તો માટે ફરાળી નાસ્તાની સુવિધા કરવામાં આવે છે,આ વર્ષે ૧૮૦૦ કિલો જેટલા નાસ્તાની આઠમના દિવસે વ્યવસ્થા કરવામાં આવી હતી. 
    મંદિર પરિસરની બહાર યોજાયેલા ભાતીગળ મેળા વિશે તેઓએ જણાવ્યું કે હાલમાં મેળામાં દરરોજ જુદા જુદા વિસ્તારો માંથી લોકો મોટી સંખ્યામાં આવે છે.વિવિધ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો પણ આવે છે.આ મેળામાં કોઈને તકલીફ ઊભી ન થાય તે માટે સરકારની મેડિકલ ટીમ પણ હાજર રાખવામાં આવે છે.મંદિર પરિસરમાં ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે.હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ નવરાત્રિના ગરબાનો લાભ લે છે.રાજપીપળા હરસિદ્ધિ મંદિર પરિસરના ગરબાનો લાભ લેવો એ જીવનનો આનંદ બની જાય તેવું છે.સરકારની ગાઈડલાઈન મુજબ મનોરંજનના જુદા જુદા પ્રકારના ચકડોળ તેમજ દુકાનો માટે સ્ટોલ ઊભા કરવામાં આવે છે.જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેળાના આયોજનમાં ખૂબ સારો સહયોગ આપવામાં આવે છે.તો રાજપીપળા નગરપાલિકા તરફથી રસ્તાઓ સુંદર બનાવીને સફાઈ, દવા - પાણીના છંટકાવની વ્યવસ્થા કરવામાં આવે છે તેમ વધુમાં ઉમેર્યું હતું.