ઇન્ફેક્શન અને આયુર્વેદ .

Published on BNI NEWS 2021-09-14 14:17:52

  • 14-09-2021
  • 1853 Views

  આરોગ્ય સંજીવની- ડૉ. જ્હાનવીબેન ભટ્ટ

  છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શન અને તેમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બદલાતી જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, વનસ્પતિઓનું નિકંદન, વધતું જતું પ્રદૂષણ વગેરે અનેક કારણો જવાબદાર છે. પ્રદૂષિત વાતાવરણમાં રહેલાં ગેસ અને ઝેરી રજકણો હવામાં ભળી જઇને હવાને અશુદ્ધ કરી મુકે છે. પ્રદૂષિત ગેસ, ડીઝલ, ધુમાડા, ઝેરી ધુમાડા વગેરેના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે, અને આ પ્રદૂષિત હવાથી વ્યક્તિ અનેક રોગોનો ભોગ બને છે. પ્રદૂષિત વાતાવરણમાં વાઇરલ ઇન્ફેક્શનના રોગો જોર વધારે કરે છે, ખુબ પીડા કરાવનાર વ્યાધિઓ, શરદી, ખાંસી, ઓરી, અછબડા, આંખ આવવી, તાવ આવવો, ફ્લ્યુ વગેરેથી થતી વ્યાધિઓમાં દર્દી હેરાન-પરેશાન થઇ જાય છે. દર્દીનાં રોગ પ્રમાણેનાં જુદા જુદા લક્ષણો એવા પીડાદાયક હોય છે કે, દર્દીને ખૂબ પરેશાની થાય છે. 

  કોઇપણ પ્રકારનાં વાઇરસ ઇન્ફેક્શનમાં સીધો ઉપચાર કરવો શક્ય નથી. છતાં પણ દર્દીના લક્ષણો પ્રમાણે ઉપચાર કરીને પીડા દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઇએ.

  Prevantion is better than cuse મુજબ રોગો થાય અને સારવાર કરવી એના કરતા તો રોગ જ ના થાય એ માટેની વ્યવસ્થા કરવી વધારે સારી ગણાય અને જો રોગ થયો હોય તો તેના કારણોને જાણીને કારણને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ.

  વાઇરસ ઇન્ફેક્શનથી થનારા રોગોથી બચવા માટેનો શ્રેષ્ઠ, સરળ અને સારો ઉપાય છે - 'રોગ પ્રતિકારક શક્તિ વધારવી' પ્રત્યેક વ્યક્તિએ પૌષ્ટિક ખોરાક લેવો, શુદ્ધ પાણી, નિયમિત વ્યાયામ, યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ઉપાય કરવો. જેમની ઇમ્યુનીટી વધારે હોય છે તેમને વાયરલ ઇન્ફેક્શનથી થતાં રોગોથી બચવું સરળ રહે છે. તાજા ફળો, દૂધ, કઠોળ, લસણ, મેથી વગેરેનો આહારમાં સમાવેશ કરવાથી રોગો સામે રક્ષણ મળે છે.

  ખાસકરીને ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે લસણ અને અજમાનો આહારમાં ઉપયોગ કરવાથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે. તુલસી, ફુદીનો, હળદર, કાળા મરીનો પાવડર વગેરેનો ઉપયોગ કરવાથી ચોમાસામાં થતાં રોગો સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત મોંઢા ઉપર માસ્ક બાંધીને રાખવાથી પણ ચેપ લાગતા અટકાવી શકાય છે.

  વાઇરલ કંજક્ટિવાઈટીસ : -

  એડીનો વાઇરલ જે રોગ કરે છે, તેમાં આંખ આવવી આ એક લક્ષણ છે. આ ઇન્ફેક્શન એક સાથે અનેક વ્યક્તિઓમાં જોવા મળે છે. આ રોગમાં આંખ લાલ થઇ જાય છે. આંખમાં થોડો દુ:ખાવો રહે છે. સતત આંખમાંથી પાણી નીકળ્યા કરે છે. આનો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને તરત જ લાગી જાય છે. આંખ આવવાના લક્ષણો શરૂ થાય કે તુરંત જ નિષ્ણાંત તબીબની સારવાર લઇને ઇલાજ શરૂ કરી દેવો જોઇએ.

  સારવાર :-

  વાયરસથી થતાં રોગોની સીધી સારવાર ન હોવા છતાં પણ લક્ષણો પ્રમાણે સારવાર કરવામાં આવે છે.

  ૧. ત્રિફળાચૂર્ણ ૧ ચમચી રાત્રે પાણી સાથે લેવું. આ ખુબ જ ઉપયોગી છે. આથી ઘરમાં એક વ્યક્તિને આંખ આવી હોય તો તેમણે આંખ ઉપર ચશ્મા ચડાવી રાખવા અને સ્વસ્થ વ્યક્તિને ચેપ ના લાગે એ માટે સ્વસ્થ વ્યક્તિએ ત્રિફળાના પાણીથી આંખ ધોવી અને ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતી વખતે ૧ ચમચી લેવું.

  ૨. રોગ-પ્રતિકારક શક્તિ વધારે થાય તે માટે ચ્યવનપ્રાશ, સપ્તામૃતલોહ, જાવંતી ઘનવટી વિગેરેનું સેવન નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ લેવું.

  ૩. સાદો આહાર લેવો. દહીં, અથાણા બંધ કરવા.

  ૪. સુખોષ્ણ પાણીમાં કપડું પલાળી ત્રણ-ચાર વખત આંખના પોપચા પર ફેરવવું, જેનાથી દુ:ખાવામાં રાહત મળે છે.

  ઇન્ફલ્યુએન્ઝા :-

  આ રોગનો ફેલાવો છીંક જેવા શ્વસન તંત્રના માર્ગો દ્વારા થાય છે. આ રોગની આયુર્વેદમાં વાત કફ્જ જવર પણ કહે છે.

  આ રોગમાં ઠંડીપૂર્વકનો તાવ ગમે ત્યારે આવે, એકાદ દિવસથી અઠવાડિયા સુધી તાવ રહે છે. શરદી, નાકમાંથી પાણી નીકળવું, શરીર દુ:ખવું, થાક લાગવો અને શ્વેતકણો ઓછા થઇ જાય. આ વ્યાધિના લક્ષણો છે.

  સારવાર :-

  (૧) આ રોગમાં સૂંઠ, તુલસી, આદું, ફુદીનાનું વધારે સેવન કરવું

  (૨) કાળા મરીનાં ૫ દાણા અને ફુદીનાનાં ૫થી ૭ પાન વાટી સવાર-સાંજ લેવાથી શરદી, ઉધરસમાં સારો ફાયદો થાય છે.

  (૩) સુદર્શન ઘનવટી, ગોદંતી ભસ્મ, અભયાદી કવાથ વિગેરેનું વૈદ્યકીય સલાહ મુજબ સેવન કરવું, ત્રિભુવન કીર્તીરસ ૨-૨ ગોળી જમ્યા પછી પાણી સાથે લેવી.

  દરેક પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટેનો સરળ ઉપાય રોગપ્રતિકારક શક્તિ વધારવી તો જ છે. જે માટે પૌષ્ટિક આહાર, પૂરતી નિંદ્રા, આસન, પ્રાણાયામ અને હકારાત્મકતા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં બે મત નથી.