તિલકવાડાના સાહેબપુરા ગામમાં આગ લાગતાં ૬ મકાનો ભસ્મીભુત.

Published on BNI NEWS 2022-12-06 14:50:25

  • 06-12-2022
  • 339 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  - વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ : ઘરો માંથી અનાજ,રોકડા રૂપિયા,કપાસ તથા ઘર વખરીની સામગ્રી સહિત લાખોની માલમત્તા બળીને ખાખ.
  તિલકવાડા તાલુકાના સાહેબપૂરા ગામમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ૬ જેટલા મકાનો આગની લપેટ આવી જતા ઘરવખરીના સમાન સહિત લાખો રૂપિયાની માલમત્તા બળીને ભાસ્મીભૂત થઈ જવા પામી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે મોટા ફળિયામાં વહેલી સવારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી.મકાન કાચું હોવાને  આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જોતજોતામાં આજુબાજુમાં આવેલા મકાનો પણ આગની લપેટમાં આવી જતાં ૬ જેટલા ઘરોમાં આગ લાગવા પામી હતી.ખાટલે મોટી ખોડ એ છે કે તિલકવાડા તાલુકામાં એક જ ફાયર વિભાગની ગાડી છે પણ તે બંધ હાલતમાં હોવાથી રાજપીપળા ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળ પર આવે ત્યા સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ૬  જેટલા ઘરો આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. ફાયર કર્મીઓ દ્વારા આગને કાબૂ કરવા કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો હતો.આ આગની ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી જોડાયા હતા.ત્યારે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા ગામ લોકોએ રાહતનો દમ લીધો હતો.
  આગના બનાવમાં ઘરોમાં મુકેલા કપાસ, અનાજ, રોકડ રકમ તથા ઘરવખરીની સાધન સામગ્રી સહિત લાખોની માલમત્તા બળી.જતા ઘટનાની જાણ થતા તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી,નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ભાજપાના ઉમેદવાર દર્શનાબેન દેશમુખ તથા કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઈ વસાવા સહિત બીજેપી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘટના સ્થળ પર આવી પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી હતી અને તેઓને સાંત્વના પાઠવી હતી.જયારે સ્થળ પર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે કાર્યકર્તાઓ તથા નાંદોદ વિધાનસભાના ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખ સાથે પહોંચીને બળી ગયેલા ઘરોના પરિવાર જનોની મુલાકાત લઈને તેમણે સહાય માટે દરેક કુટુંબને ૧૦,૦૦૦ રૂપિયા રોકડા આપીને આશ્વાશન આપ્યું હતું અને આગામી દિવસોમાં સરકાર દ્વારા તેમને સંપૂર્ણ ન્યાય આપીને રાહત કરી આપવા માટે બાહેધરી આપી હતી.