ભરૂચના કળાકારોની હિન્દી શોર્ટ્ફિલ્મ ‘બિના ફાટક કી રેલ્વેલાઈન’.

Published on BNI NEWS 2022-10-19 09:57:21

    • 19-10-2022
    • 1430 Views

    આપણા કળાકાર ડૉ.તરુણ બેન્કરના નેજા હેઠળ બનેલ હિન્દી શોર્ટફિલ્મ ‘બિના ફાટક કી રેલ્વેલાઈન’ હાલમાં જ યુટ્યુબની Manoranjan9 ચેનલ ઉપર રીલીઝ કરવામાં આવી છે.મોબાઈલને કારણે ગાંધીનો ચોથો વાંદરો બની ગયેલ કે બની રહેલ યુવાધન અને અનમેનડ રેલ્વે ફાટક અને તેના કારણે ઉદ્દ્ભવતી સમસ્યાઓને પ્રસ્તુત કરતી આ શોર્ટફિલ્મમાં ભરૂચના યુવા કળાકાર આશિષ બારોટ, પ્રશાંત અભિજ્ઞાન,શ્રેષ્ઠાકુમારી અને ડૉ. તરુણ બેન્કરે અભિનય કર્યો છે.
    ડૉ.તરુણ બેન્કર લિખિત દિગ્દર્શીત શોર્ટફિલ્મનું નિર્માણ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે.પૂર્ણતઃ ભરૂચમાં બનેલ આ ફિલ્મ રીલીઝ થતાં જ શોર્ટ્ફિલ્મ ફેસ્ટિવલ અને સર્જન સાથે સંકળાયેલ મરાઠી,બંગાળી અને ઉડીયા ફિલ્મમેકરો તરફથી ફિલ્મની સમગ્ર ટીમને શુભકામનાઓ મળી રહી છે.ગુજરાતી ફિલ્મના કળાકારોએ પણ વખાણી છે.
    ફિલ્મ અંગે વાત કરતા ડૉ.તરુણ બેન્કરે જણાવ્યુ હતુ કે અમે ફિલ્મ જેવા માધ્યમનો ઉપયોગ જાગૃતિ અને જનચેતના જગાડવા કરતા રહ્યા છે.કોરોનાને કારણે સ્થગિત થયેલ સર્જનકાર્ય પુનઃ શરૂ કર્યુ છે. આગામી સમયમાં સીરીઝ ઓફ શોર્ટ્ફિલ્મનું આયોજન કર્યુ છે.‘બિના ફાટક કી રેલ્વેલાઈન’ શોર્ટ્ફિલ્મોની હારમાળાનો પહેલો મણકો છે. દિવાળી પછી તરત બીજી શોર્ટફિલ્મોનું નિર્માણકાર્ય હાથ ધરાશે.જેમાં મહદ્દઅંશે સ્થાનિક કળાકારોને તક આપવામાં આવશે.અભિનય કે ફિલ્મમેકિંગમાં રસ ધરાવાતા કળાકારો માટે આ સુવર્ણ તક બની રહેશે. યુવાનોને આગળ આવવા અનુરોધ છે.