વિદેશમાંથી 244 વિદ્યાર્થીઓનું ગુજરાતમાં આગમન

 • વિદેશમાંથી 244 વિદ્યાર્થીઓનું ગુજરાતમાં આગમન

  • 13-05-2020
  • 1056 Views

  સામાન્ય રીતે વિદેશથી કોઇ આવે તો તેમને આવકારવા માટે એરપોર્ટમાં મોટી સંખ્યામાં સ્વજનો જોવા મળતા હોય છે. પરંતુ આ વખતે વિદેશથી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે સ્વજનો નહીં પણ ડોક્ટરોની ટીમ તૈનાત હતી. આવો જ નજારો મંગળવારે પરોઢે અમદાવાદ એરપોર્ટ ખાતે જોવા મળ્યો હતો. વૈશ્વિક મહામારી કોરોનાને પગલે વિદેશમાં અટવાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનું મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મંગળવારે વહેલી પરોઢે મનિલાથી 137, અમેરિકાથી 107 એમ કુલ 244 અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પરત ફર્યા હતા.
  અમેરિકા-ફિલીપાઈન્સથી આવ્યા 244 વિદ્યાર્થીઓ
  આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ફિલિપિન્સના મનિલાથી વાયા દિલ્હી થઇને આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય 1.30 કલાકના વિલંબ બાદ પરોઢિયે 3 કલાકના અમદાવાદ આવી હતી. જેમાં ગુજરાતના 137 વિદ્યાર્થીઓ હતા. આ પછી ન્યૂયોર્કથી વાયા મુંબઇ થઇને સવારે 6 કલાકે 107 વિદ્યાર્થીઓ સાથેની ફ્લાઇટ અમદાવાદ આવી હતી. અમદાવાદ એરપોર્ટમાં આગમન સાથે જ તમામ 244 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
  પસંદગીના જિલ્લામાં જવા રવાના કર્યા
  આ પછી આ વિદ્યાર્થીઓને તેમને પસંદગીના જિલ્લાઓમાં સીધા જ એરપોર્ટથી રવાના કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે માટે ખાસ વોલ્વો બસની સુવિધા કરાઈ હતી. તેમના રહેવા-જમવાની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી તેમની પસંદગીની હોટલો પર તથા રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થાના સ્થળોએ મોકલી આપવામાં આવ્યા છે. માર્ગદશકા પ્રમાણેનું 14 દિવસનું ક્વોરન્ટાઈન પુર્ણ કરી તેઓ તેમના ઘરે જઈ શકશે.
  અમદાવાદ આવી હાશકારો અનુભવ્યો
  તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ઘરે પહોંચ્યાનો ભાવ સ્પષ્ટ વર્તાતો હતો. મનિલાથી આવેલા અને મૂળ રાધનપુરના વતની વિરમ ચૌધરી કહ્યું કે, ‘ હવે હાશ થઈ…મનિલામાં 2 મહિનાથી કોલેજ પણ બંધ હતી એટલે અમારેતો ઘરમાં પુરાઈ રહેવુ પડયું હતું. પણ સરકારના પ્રયાસોથી અમે અમારે વતન પહોંચ્યા તેનો વિશેષ આનંદ છે…’ ઉર્વિશ પુરીયાએ કહ્યું હતું કે, ‘ત્યાં પરિસ્થિતી નિયંત્રણમાં હતી, પરંતુ બધી વસ્તુઓ મેનેજ કરવામાં અમને ખુબ તકલીફ પડતી હતી.

  8 થી 5 નો કર્ફૂયૂ હતો એટલે જીવન જરૂરી વસ્તુઓ લાવવાની ખૂબ ચિંતા રહેતી હતી…’ પ્રિતેશ અને રાહુલ શરાફે કહ્યું હતું કે, ‘ અમે ગુજરાત આવીને સલામતી અનુભવીએ છીએ…અમે ગુજરાત સરકારના આભારી છીએ…’ વિદ્યાર્થીઓના આગમન વેળાએ સચિવ ધનંજય દ્વિવેદી, પ્રવાસન વિભાગ સચિવ મમતા વર્મા તથા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ ઉપસ્થિત રહ્યા હતા.

  અમદાવાદથી લંડન માટે આજે 14મી ફ્લાઇટ રવાના થશે
  ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે બ્રિટન દ્વારા એપ્રિલ માસના બીજા સપ્તાહથી સ્પેશિયલ ફ્લાઇટ ઉડાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે બુધવારે બપોરે 2:30 કલાકે અમદાવાદથી લંડનની બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ રવાના થશે. લોકડાઉન જાહેર થયા બાદ અમદાવાદ-લંડન વચ્ચેની આ 14મી ફ્લાઇટ છે. આવતીકાલે રવાના થનારી આ ફ્લાઇટમાં 270 મુસાફરો હશે.