ભાણખેતરના ગણપતિ મંદિરનો અનન્ય મહિમા.

Published on BNI NEWS 2020-08-25 20:51:29

    • 25-08-2020
    • 437 Views

    (પ્રતિનિધિ : સંજય પટેલ,જંબુસર)
    સર્વ પાપોનો નાશ કરનાર અને ભક્તોનું મંગલ કરતાં દેવ એટલે વિનાયક ઉમા શંકરના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના દાતા એટલે શ્રી ગણેશ જંબુસર તાલુકાના ભાણખેતર ગામે ગજાનંદ ગણપતિનું આશરે  ૪૦૦ વર્ષ પહેલાનું મંદિર આવેલ છે.પૌરાણિક દંતકથા અને લોકવાયકા મુજબ આ તપોભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્કજીએ સેંકડો વર્ષ તપ કરી સૂર્યની ઉપાસના કરીને ભાનુ એટલે કે સૂર્યને નીચે ઉતરવાની ફરજ પાડી તેથી આ તપોભૂમિ ભાનુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ ત્યારબાદ ભાનુ ક્ષેત્રનું અપભ્રંશ થઈને ગામનું નામ ભાણખેતર થયું ગણપતિ મંદિર પાસે નાગેશ્વર તળાવનો છેડો લંબાયેલા છે.જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુંવારી ભૂમિ ગણાય છે.તેનું દાન ધર્મમાં વિશિષ્ટ મહત્વ છે ગામમાં પુષ્ટિ સંપ્રદાયના પરમ વંદનીય શ્રી મહાપ્રભુજીના પ્રપૌત્ર હરીરાયજી મહાપ્રભુજીની સાત બેઠક પૈકીની બેઠક આવેલી છે જે વૈષ્ણવ ભાવિકો માટે શ્રધ્ધા કેન્દ્ર છે.બાજુમાં રામનાથ મહાદેવનું મંદિર આ સહિત મસાણી માતાનું સુંદર નયનરમ્ય મંદિર આવેલ છે.આ તપોભૂમિ પર ખોદકામ કરતાં જમીનના પેટાળ માંથી શંખ છીપલા સાથેની રાખોડી રંગની માટી મળી આવી હતી અને સાધુ મહાત્માઓ દ્વારા માટી અને વાંસની કામળી થી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ શંકર સ્વરૂપ,ત્રિનેત્રાય,ચંદ્રમૌલેશ્વર,એકદન્તાય, જમણીસુંઢ,તથા મસ્તક ઉપર શેષનાગ ધારણ કરેલ છે.આ મૂર્તિ ૧૨ થી ૧૩ ફૂટ ઊંચાઈ ધરાવતી વિરાટ મૂર્તિ બેઠેલા ગણેશજી દૈદિપ્યમાન લાગે છે.આ મંદિરે જંબુસર શહેર અને તાલુકા સહિત અન્ય જીલ્લા માંથી શ્રદ્ધાળુઓ દર ચોથના દિવસે દાદાના દર્શનાર્થે આવે છે.આ દરબારમાં આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે.