માનવતા,સેવા અને સામાજીક સમરસતાનું પ્રતિક બની ભરૂચની WBVF સંસ્થા.

Published on BNI NEWS 2020-08-17 15:41:42

  • 17-08-2020
  • 566 Views

  પટેલ વેલ્ફેર હોસ્પિટલના પ્રાંગણમાં ૧૫ દિવસમાં ઊભુ કરાયું નવું કોવિડ કેર સેન્ટર ૧૫ મી ઓગસ્ટે ખુલ્લુ મુકાયું.
  કોરોના કાળમાં સરકારી સેવા જ્યાં ટાંચી પડી રહી છે તેવા સંજોગોમાં સ્વૈચ્છીક સંસ્થાઓ અને ટ્રસ્ટો તેમજ સેવાભાવી લોકો મદદના હાથ લંબાવી રહ્યા છે. વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન અને પટેલ વેલ્ફેર હોસ્પિટલનો સેવા યજ્ઞ ભરૂચના હજારો માટે રાહતપૂર્ણ બન્યો છે.આ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા દિવસે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના પ્રાંગણમાં કોવિડ કેર સેન્ટર ખુલ્લુ મુકાયું. આ સેન્ટરમાં 69 બેડની વ્યવસ્થા કરાઈ છે.માનવતા,સેવા,સામાજીક  સમરસતા, એકતા, ટીમ વર્ક અને સહિયારા પ્રયાસથી ઉભુ થયેલા આ કેર સેન્ટરમાં કોઈપણ પ્રકારના ભેદભાવને અવકાશ નથી.વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા કોવિડ કેર સેન્ટર સહિત જરુરિયાતમંદો માટે ઓક્સિજન બોટલની વ્યવસ્થા, રાહત સામગ્રીનું વિતરણ, દવા, અંતિમ સંસ્કાર સહિતની તમામ તકલીફોમાં લોકોને સહાય પહોંચાડાઈ છે.
  ભરૂચ જિલ્લામાં વધતા કોરોના દર્દીઓની સંખ્યાને કારણે ચિંતા વ્યક્ત કરતા ભરૂચ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ સલીમભાઈ ફાંસીવાળા, વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન (WBVF)ના યુનુસભાઈ અમદાવાદી, ફારુકજી પટેલ (કેપીગ્રુપ), નાસીરભાઈ પટેલ, હનીફભાઈ મેટ્રીક સહિતનાએ તાત્કાલિક બેઠક કરી આ અંગે નિર્ણય લીધો હતો. વેલ્ફેર હોસ્પિટલમાં જગ્યા હોવાથી શરૂઆતથી જ 64 બેડની કોવિડ હોસ્પિટલ તો શરૂ કરી દેવાય હતી.પરંતુ ભયાનક ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું તે અંગે વિચાર-વિમર્સ કરાયો હતો. ખાનગી હોસ્પિટલમાં જગ્યા ન હોવા ઉપરાંત સામાન્ય વ્યક્તિ આર્થિક રીતે પહોંચી ન વળે તેવા હાઈફાઈ ચાર્જને જોતા વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર ખોલવાનું નક્કી કરાયું.
  પટેલ વેલ્ફેર હોસ્પિટલના પ્રાંગણમાં ખુલ્લી જગ્યા તો બહુ હતી.પરંતુ તેમાં નવું સેન્ટર નિર્માણ કરવાનું કામ અઘરું હતુ.જોકે ચારેય બાજુથી ખુલ્લી મિલ્કતમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનું બધાની સહમતિ થી નક્કી થયું.તમામ લોકોએ પોતપોતા ની જવાબદારી સ્વીકારી અને ૧૫ દિવસમાં સંપૂર્ણ એર કન્ડિશન કોવિડ સેન્ટર ઉભુ કરાયુ અનેક અને ૧૫ મી ઓગસ્ટે ખુલ્લુ મુકાયું.

  શું કહે છે આગેવાનો?
  આ કોવિડ સેન્ટરમાં ડોકટર્સ, નર્સ અને અન્ય સ્ટાફ ૨૪ કલાક ખડેપગે રહેશે : સલીમ ફાંસીવાળા

  ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ સલીમભાઈ ફાંસીવાળા એ કોવિડ કેર સેન્ટરને ખુલ્લુ મુકતા કહ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા આવુ સેન્ટર તાત્કાલિક બનાવવું જરૂરી હતું અને અમે ૧૫ દિવસમાં તે લોકસેવા માટે બનાવી દીધું.૬૯ બેડ પર સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને આઈસોલેટ કરવામાં આવશે.હાલ ૧૧ ઉપર ઓક્સિજનની સુવિધા રખાય છે અને જરૂર પડ્યે ઓક્સિજન બોટલ વધારવાની અમારી તૈયારી છે.અમે તે માટે દર્દીઓ પાસેથી એક રૂપિયો પણ લેવાના નથી. દાતાઓ અને વેલ્ફેર પાસેના ફંડથી સેવા કરવામાં આવશે.અહીં જરૂરી ડોક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફ ૨૪ કલાક ઉપસ્થિત રહેશે.
  આ કોવિડ કેર સેન્ટર કોરોનાને તેની ભાષામાં જવાબ છે- યુનુસભાઈ પટેલ
  WBVFના યુનુસભાઈ પટેલ (અમદાવાદી) એ કહ્યું હતુ કે, જેમ રોગ કોઈ ધર્મ કે જાતિ જોઈ આવતો નથી તેમ આ કોવિડ સેન્ટરમાં અમે કોઈ પણ ધર્મ-જાતિના ભેદભાવ વિના તમામ કોવિડ દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરીશું. આ કોરોનાને તેની જ ભાષામાં જવાબ જેવું છે. માત્ર ભરૂચ પુરતા જ નહીં પણ જરૂરિયાત મુજબના તમામ શહેરના દર્દીઓ તેનો લાભ લઈ શકશે.આ પહેલા પણ અહીં ભરૂચ ઉપરાંત કરજણ,વડોદરા અને છેક મુંબઈથી દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે.આ શહેરોમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી અમે ત્યાંના દર્દીઓને અહીં સારવાર આપી છે.
  સેવા પ્રવૃતિમાં ખભેખભા મિલાવી સહયોગ આપવો જોઈએ : ફારુક પટેલ
  વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનનાં ફારુક પટેલ (કેપી)એ જણાવ્યું કે કોરોના ભરૂચમાં પ્રસર્યો ત્યારે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં પહેલા જ ૧૦૦૦ થી વધુ દર્દીઓની સારવાર કરાય છે. પરંતુ વધુ કેસને નજરે રાખીને સલીમ ફાંસીવાળા અને યુનુસભાઈ અમદાવાદી સહિતનાએ આગળ વધીને પહેલા ૬૪ બેડ શરૂ કર્યાં અને હવે 69 બેડ ખાલી બિલ્ડિંગમાં શરૂ કર્યું તે ખૂબ જ સરાહનીય કામ છે.આવી મહામારીના સમયે ધર્મ-જ્ઞાતિ, ગરીબ-તવંગરને જોયા વિના સેવાનો જ અભિગમ અપનાવાય રહ્યો છે તે સલામને પાત્ર છે.હું તમામને આહ્વાન કરું છું કે આવા કપરા સમય માં આવી સંસ્થાઓ સાથે ખભેખભા મિલાવીને જોડાઈને સેવા કરવી જોઈએ.
  આ કોવિડ કેર સેન્ટર ટીમ વર્કનું સકારાત્મક પરિણામ છે : સલીમ અમદાવાદી
  સલીમભાઈ અમદાવાદીએ જણાવ્યુ હતું કે જે પણ સેવા કાર્ય થઈ રહ્યુ છે.તેમજ ભવિષ્યમાં લોકો સુધી જે મદદ પહોંચશે એ ટીમ વર્કનું સકારાત્મક પરિણામ છે. દાતાઓ સહિત કોવિડ સેન્ટર ઉભુ કરવામાં રાત-દિવસ એક કરી મહેનત કરતા લોકો, ગામડાઓ સુધી મદદ પહોંચાડનાર યુવાનો, વોલેન્ટિયર્સ, હોસ્પિટલનો સ્ટાફ સહિતના લોકોનાં પ્રયાસોથી આ રીતે ઝડપી સેવા પહોંચાડવાનું શક્ય બની શક્યુ છે.