ચાર યુગ પછી પાંચમા યુગ તરીકે હમેશા યાદ રહી જાય તે રીતે જો કોઈ સમયને જીવવો પડ્યો હોય તો તે છે કોરોનાયુગ.

 • ચાર યુગ પછી પાંચમા યુગ તરીકે હમેશા યાદ રહી જાય તે રીતે જો કોઈ સમયને જીવવો પડ્યો હોય તો તે છે કોરોનાયુગ.

  • 10-05-2020
  • 656 Views

  - મનીષા દુધાત ની કલમે.
  સમયને સથવારે ભેટ સ્વરૂપે મળેલી નવરાશની પળો હંમેશા મારા મન અને મગજની ઊર્મિઓને મારી રોજ લખાતી ડાયરીઓમાં વહેતી મુકવા પ્રેરિત કરે છે અને પરિણામ સ્વરૂપે આજે મારી ડાયરી લખવા બેઠી ત્યારે આજના મનોમંથન પછી એક સહજ વિચાર આવ્યો કે એક સ્પર્શથી પથ્થર પારસમણી બની જાય એવું સાંભળ્યું હતું,એક સ્પર્શથી નફરત પ્રેમમાં પરિવર્તીત થઇ જાય એ પણ સાંભળ્યું હતું કેમ કે સ્પર્શ એ પ્રેમની પરિભાષા છે ને ! પરંતુ સ્પર્શ માત્રથી સમગ્ર વિશ્વ તહેસ-નહેસ થઈ જાય એવું તો પહેલીવાર જ જોયું અને જાણ્યું અને ઘણા બધા લોકોએ માણ્યું પણ ખરા, સાચું ને? હા, આ ભયાનક સ્પર્શ
  એટલે "કોરોના વાયરસ".
  ચાર યુગ પછી પાંચમા યુગ તરીકે હમેશા યાદ રહી જાય તે રીતે જો કોઈ સમયને જીવવો પડ્યો હોય તો તે છે કોરોનાયુગ પુરઝડપે દોડતી દુનિયા અચાનક જ જાણે '૩તપ૫૬૯€' થઈ ગઈ.એક માણસ બીજા માણસ માટે જીવનું જોખમ બની ગયો,માણસ માણસથી દૂર ભાગવા લાગ્યો.સમય નથી એવું કહેવાવાળા સાવ નવરા થઇ ગયા.એમાં પણ આપણા માટે તો 25 માર્ચ થી 3 મેં સુધીનો સમય એટલે અવિસ્મરણીય અનુભવ. ઘણાં લોકોએ ફરિયાદ કરી કે આપણી ઉમર ના 40 દિવસ કપાઈ ગયા એનું શું? પણ હું તો કહું છું આપણે આ 40 દિવસ જ સાચું જીવ્યા છીએ. જીવનને વધારે ને વધારે કમ્ફર્ટેબલ અને ચટાકેદાર બનાવવા માણસે આંધળી દોટ મૂકી હતી પરંતુ લોકડાઉન ને લીધે એમને પોતાની જાત સાથે જીવવાનો મોકો મળ્યો.
  ઘણું બધું ખોવાઈ ગયું તો ઘણું બધું નવું પામ્યા પણ ખરા.
  સા રે ગ મ..સુરાવલી અને વાહનોના હોર્નનો અવાજ પક્ષીઓના કલરવ સામે ઝાંખો પડ્યો. ગંગા નદીને પણ પહેલીવાર ખબર પડી કે તે પોતે આટલી પવિત્ર અને પારદર્શક છે. ચોર ચોરી કરતા પણ ભૂલી ગયા અને છાપાઓ કોનું એક્સિડન્ટ થયું એ છાપવા માટે પણ મૂંઝવણમાં મુકાઈ ગયા. ઘરમાં પુરાયેલા લોકો અને હોસ્પિટલોના ડોકટરો ભૂલી ગયા છે કે દુનિયામાં બીજા કોઈ રોગો પણ છે. કરોડો રૂપિયાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું તો સાથે સાથે કરોડો ના ધુમાડા થતા પણ બંદ થઈ ગયા. જે ઘર બનાવવા પુરૂષોએ આખી જિંદગી ખર્ચી નાખી એ ઘર ખરેખર કેવું રળિયામણું છે એનો સાચો અહેસાસ હવે
  થયો. હોલીડે પ્લાનીંગ સંકેલી લીધા પછી આપણે કિચન કેનાલ, ડ્રોઇંગ દરબાર, મોબાઈલ મહેલ અને બેડરૂમ બાગની મજા લેતા થયા અને મિલ્કબુથ કે વેજિટેબલ માર્ટ પર જઈને આવેલ માણસ તો જાણે ફોરેનટ્રીપ કરી આવ્યો હોય એટલો ખુશ થાય.મંદિરોના પ્રસાદને બદલે પોલીસ પ્રસાદનો લાભ પણ ઘણાએ લીધો. હોટલ-રેસ્ટોરન્ટના મેનુની જગ્યાએ અનેક હેલ્ધી અને પૌષ્ટિક રેસીપીઓ એ જન્મ લીધો. ઓટલા પરિષદની જગ્યાએ અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓએ અવતાર લીધો. અરે, ગૌરીદ્રત અને દશામાં ના વ્રતને તિલાંજલિ આપી હવે મેં તો ઘરના સભ્યોની લાંબી ઉંમર માટે બહાર નહીં નીકળવાનું અને બહારનું નહીં ખાવાનું વ્રત લીધું, તમે પણ લીધું કે નહીં? અરે એટલી મજા પડી કે લોકો ફરી ફરી "મેરે પ્યારે દેશવાસીઓ" સાંભળવા ટીવી સામે ગોઠવાઇ જાય. મારા જેવા અનેક કવિઓ અને લેખકોનો પુનર્જન્મ થયો.જાણે કોરોના વાયરસ નામના રાવણે રામરાજ્યની સ્થાપના કરી. ટૂંકમાં સાચું કહું તો લોકોએ દુઃખમાં જ સુખને શોધવાનું શીખી લીધું.
  સોનાના પાંજરે પુરાયેલો પોપટ અને સંકુચિત માનસ ધરાવતા કુટુંબો જે સંસ્કાર ના નામે એવું માનતા હોય કે એક સ્ત્રીથી ઘરની બહારના નીકળાય એવા ઘરમાં પીસાઈ રહેલી સ્ત્રી અને કોઈ ગુનામાં ફસાઈ ગયેલો બેકસુર કેદી એમ ત્રણેયે કટાક્ષથી હસીને જાણે દુનિયાને પૂછ્યું, "હવે ખબર પડી ને કે પિંજરે પુરાવું શું છે?" એક સ્ત્રી તરીકે મને નાનકડી ફરિયાદ કરવાનું મન થાય છે કે બધાને બ્રેક મળ્યો પણ અમારે સ્ત્રીઓને તો 'બાવાના બેય બગડ્યા' ઘરકામ પણ વધ્યું અને કામવાળીઓ પણ ગઈ, એટલે આપણા પોલીસ, ડોક્ટરો અને કર્મચારીઓ સાથે સાથે અમારું ગૃહિણીઓનું પણ સન્માન થવું જોઈએ.
  કેમ કે આ ચારેય કોમ જરા પણ ચુક્યા વગર સતર્ક રહીને રાત-દિવસ પોતપોતાની ફરજ નિભાવી રહી છે. આપણી સહુની લોકડાઉન અમલમાં મુકાયા પહેલાની જીવનશૈલી હવે કદાચ સુવર્ણ ઇતિહાસ સમાન બની જશે અને પ્લેનમાં મુસાફરી,હોટલ રેસ્ટોરન્ટનું ભોજન,પાર્ટી, સેરીમની અને માનવમેદની જેવા શબ્દોતો નજીકના સમયગાળા માટે તો પુસ્તકો પૂરતા સીમિત બની જશે અને ઇતિહાસની બુકોના સિલેબસમાં આ સમયગાળાને ચોક્કસ સ્થાન મળશે.ક્યારેય ન ભુલાય તેવા આ અવિસ્મરણીય ઇતિહાસના તમામ ચડાવ- ઉતારોના આપણે સાક્ષી બનીશું અને નવી પેઢીઓના દાદા-દાદી તરીકે વાર્તા સ્વરૂપે તેના બાળમાનસમાં રેડીશું.
  લોકડાઉન માણ્યા પછી આપણને કેટલીક વાત પાકી ગળે ઉતરી ગઈ છે જેને આપણે આપણી અનુકુળતા 
  મુજબ અમલમાં મુકવાનો પ્રયાસ કરીશું જેમ કે,
  * પુરુષોને માવા-ગુટખા,બાટલી અને ગૃહિણીઓને કામવાળી દાસીઓ, શોપીંગ કરવા ન મળે તો પણ એમના ફેફસા, હૃદય
  અને મગજ એવા ને એવા જ કાર્યરત રહેશે; તો એ ન મળે તો ઘેલા નહિ બનીશું.
  * આપણે જેટલી વસ્તુઓ ખરીદવા પાછળ ખર્ચ કરીએ છીએ એના કરતાં અડધી વસ્તુઓએ પણ કામ ચાલી જાય છે;
  આપણે આપણી જરૂરીયાતો ઘટાડીશું.
  * હોટલોના શેફ કરતા પણ ઘરે સ્વાદિષ્ટ વ્યંજન બનાવી શકાય છે; આપણે બનાવીશું.
  * કોરોનાના કહેરને લીધે દુનિયાને ભૂખમરો વેઠવો પડ્યો છે; આપણે આપણી થાળીમાં આવેલા ભોજનને ક્યારેય નહીં નકારીએ અને ઈશ્વરનો પાડ માનીશું.
  * લોકોને કોરોના કરતા વધારે તેની લાચારીએ માર્યા છે; આપણે મદદ કરવા માટે હંમેશા હાથ ખુલા રાખીશું અને માણસાઇ નહીં ચુકીશું.
  * ગંદકી અને માંસાહારી ભોજને હમેશા લોકોને પજવ્યા છે; આપણે સ્વચ્છતાના આગ્રહી બનશું અને શુદ્ધ શાકાહારી ભોજન અપનાવીશું.
  * "જિંદગી ના મિલગી દો બારા" વિકટ પરિસ્થિતિઓમાં સહેજ પણ ડગ્યા વગર આપણે જીવનની દરેક ક્ષણને જાગૃત રહીને સકારાત્મક રીતે માણીશું.
  એક સકારાત્મક અંદાજ લગાવીએ તો આપણો દેશ બીજા કરતા ખૂબ ઝડપથી આ ઝેરી વાયરસના ચુંગાલમાંથી મુક્ત થશે.આપણે આખી દુનિયામાં સહુથી વધારે દવાઓનો નિકાસ કરીશું. ભારત તમામ નાની મોટી ચીજવસ્તુઓના ઉત્પાદન કેન્દ્ર ઉભા કરશે અને સમગ્ર વિશ્વ ચાઈનાને છોડીને ભારત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતને છોડીને ગયેલા ઉત્તમ ભારતીયો પોતાના દેશમાં પરત આવવાનું વિચારશે. ભારતનું આયુર્વેદ, નેચરોપેથી અને ભારતની સંસ્કૃતિ અને માનવતાને સહુ કોઈ વાખાણશે તેમજ અપનાવશે. ભારતે વિકસાવેલા બીજા દેશ સાથેના સંબંધો, બીજાને કરેલી મદદો અને બીજા દેશો પાસેથી મેળવેલી સહાનુભુતિ ચોક્ક્સ કામ લાગશે.
  મિત્રો,રાત જેટલી કાળી હોય છે ને એટલા જ તારા વધારે ચમકે છે. કોરોના ઇફેક્ટથી નિરાશ થવાને બદલે એવું સમજીએ કે
  આ તો આપણા દેશને પોતાનું કૌશલ્ય અજમાવવાનો અને દેખાડવાનો મોકો મળ્યો છે તો આપણો દેશ ડરના ઘોર અંધકારને
  ચીરીને વિજેતાનો તાજ પહેરી લેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
  અંતમાં હું મારી મૌલિકતા ઉમેરતા થોડી પંક્તિઓ રજૂ કરીશ,
  એકની એક જ વાત માણસ સૂતો હોય કે જાગે,આ તે કેવો કહેર માણસ માણસથી આઘો ભાગે.
  શહેરની રોનક ઝાંખી પડી,ઘરની દીવાલો વ્હાલી લાગે,માણસે કરેલા કર્મોનો આજે કુદરત હિસાબ માંગે.
  ભારતની દીકરી દુનિયામાં ભારતના સંસ્કાર સ્થાપે,મયદા ઓળંગવી નહીં,એવી લક્ષ્મણરેખા દોરી ઝાંપે.
  ઘોંઘાટે રજા લીધી ને કલરવની સરગમ વાગે,'ખારું' નહીં પણ 'સારું' થશે એવું હવે મને છે લાગે.
  માણસાઈનો પુંજ પ્રકાશે ત્યારે આ ઘોર અંધારું ભાગે,જોજો કેવો દુનિયાભરમાં ભારતનો ડંકો વાગે...!!!