અધ્યતન અવનવા રમકડાંઓના જમાનામાં હજી દેશી રમકડાંઓની બોલબાલા.

 • અધ્યતન અવનવા રમકડાંઓના જમાનામાં હજી દેશી રમકડાંઓની બોલબાલા.

  • 23-03-2020
  • 551 Views

  (પ્રતિનિધિ : ગુલામહુશેન ખત્રી,રાજપારડી) 

  નકામી વસ્તુઓના ઉપયોગથી બનતા દેશી રમકડા પ્રાચીન સમયથી લોકપ્રિય રહ્યા છે.

  રમકડાં એ બાળકો માટે રમવા માટેનું એક મહત્વનું સાધન ગણાય છે.પ્રાચીન સમય થી જેતે સમયને અનુરૂપ રમકડાં દેખાતા હોય છે.બાળકો માટે રમકડાંથી રમવું એ તેની બાળવયનું એક અમૂલ્ય સંભારણું ગણાય છે.બાળક જરા સમજણું થાય એટલે માતા પિતા તેને રમવા વિવિધ જાતના રમકડાં લાવતા હોય છે.આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવેછે.રમકડાં નું અસ્તિત્વ પ્રાચીન સમયથી જેતે સમયની માંગને અનુરૂપ જળવાતું આવ્યું છે.વિજ્ઞાનના વિકાસથી  માનવી માટે ભૌતિક સુવિધાઓના સાધનો મોટા પ્રમાણમાં વિકસ્યા છે.સમયના વિતવા સાથે વિજ્ઞાનના ઝડપી વિકાસે માનવીની રહેણી કરણી પણ બદલાવા પામી.રોજિંદા ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોમાં પણ સમયના બદલાવ સાથે બદલાવ આવ્યો.આ બધી બાબતોમાં રમકડાંઓ પણ સમયના બદલાવ સાથે જેતે સમયને અનુરૂપ બદલાતા રહ્યાછે.પ્રાચીન કાળથી વિવિધ હાથ બનાવટના રમકડાંઓ બનાવાતા રહ્યા છે.સામાન્યરીતે નકામી બનેલી કેટલીક વસ્તુઓના ઉપયોગ થી પણ ઘણાં બધા રમકડાં બનતા હોય છે.સામાન્ય રીતે નાના બાળકોમાં ઢિંગલા ઢિંગલીની રમત ખુબ લોકપ્રિય રહી છે.અત્યારેતો વિવિધ જાતના ચાઈનીઝ રમકડાંઓની ઢગલા બંધ દુકાનો ઠેરઠેર દેખાતી હોય છે.આ આધુનિક રમકડાંઓ માં વિવિધ જાતના ઢિંગલાઓ પણ હોય છે.આમાંના ઘણાં બધા રમકડાં બેટરીના ઉપયોગથી ચાલતા અને રિમોટ સંચાલિત હોયછે.પરંતુ આ આધુનિક રમકડાંઓના જમાનામાં પણ હજી દેસી રમકડાંઓની બોલબાલા જળવાઈ રહી છે અને આ વાત આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ગૌરવ સમાન વાત ગણાય છે.બાળકો માટે ઢિંગલા ઢિંગલીની રમત પહેલાના સમય થી ભારે આકર્ષણ યુક્ત રહી છે.જુના કાઢી નાંખેલા કપડાઓના ઉપયોગથી ઢિંગલી બનાવીને બાળકો રમતા હતા.ઘરના વડીલો બાળકોને જુના કાઢી નાંખેલા કપડાંઓ અને જરુર પડ્યે વાંસની પટ્ટીઓ નો ઉપયોગ કરીને ઢિંગલા બનાવી આપતા અને ફળિયાના બાળકો ભેગા મળીને ઢિંગલા ઢિંગલીની રમતો રમતા હતા.જોકે હાલતો માનવીનું જીવન પણ ઘડિયાળના કાંટાઓ સાથે તાલ મિલાવીને સમયબધ્ધ ચાલતું દેખાય છે.ત્યારે બાળકો ભેગા મળીને ઢિંગલા ઢિંગલીની રમત રમતા હોય એવું ક્યાંકજ દેખાતું હોય છે.બાળકો માટેના રમકડાંઓમાં ઢિંગલાના રમકડાં ની જેમજ પૈંડાવાળી ગાડીઓનું પણ મોટું મહત્વ હોય છે.આજેતો વિવિધ આધુનીક ચાઈનીઝ રમકડાંઓમાં અવનવી ગાડીઓ દેખાતી હોય છે.દેશી રમકડાંઓમાં પૈંડાવાળી ગાડીઓનો પણ સમાવેશ થાય છે.પહેલાના સમયમાં લાકડા માંથી બે ગોળ પૈંડાઓ બનાવીને તેને લાકડા સાથે જોડીને ગાડી બનાવાતી.હજી પણ ઘણાં બાળકો આ લાકડીવાળી દેસી ગાડી પ્રત્યે ભારે આકર્ષણ રાખતા દેખાય છે.લાકડાના પૈંડાવાળી દેસી ગાડીઓ બનાવતા ગ્રામ્ય કારીગરો હજી દેખાતા હોય છે.સામાન્ય રીતે આવા દેશી રમકડાં બનાવતા કારીગરોના પરિવારો આવા રમકડાં બનાવીને ટોપલામાં અથવા હાથ લારીમાં મુકીને ફરીને વેચાણ કરતા જોવા મળતા હોય છે.તેમજ વિવિધ મેળાઓ માં પણ પોતાના બનાવેલા હાથ બનાવટના રમકડાં વેચતા હોય છે અને આના માધ્યમ થી આ ગરીબ પરિવારોને રોજગાર મળતો હોય છે.દેશી રમકડાંઓ સામાન્યરીતે નકામી કાઢી નંખાયેલી વસ્તુઓનો સુંદર ઉપયોગ કરીને બનાવાતા હોય છે.ઉપરાંત વિવિધ જાતના દેશી રમકડાંઓ વાંસની પટ્ટીઓ કાગળ લાકડું વિગેરે ના ઉપયોગ થી પણ બનાવાતા હોય છે.કેટલાક દેસી રમકડાં બાળકો પણ પોતાની આગવી સુઝથી રસપ્રદરીતે બનાવતા હોય છે.ઘણીવાર આપણે નાના બાળકોએ નકામી વસ્તુઓના ઉપયોગ થી બનાવેલ રમકડાં જોઈએ ત્યારે સાચેજ બાળકોની રચનાત્મક શક્તિ પ્રત્યે માન ઉપજે.પગરખા માં રબરના  સ્લીપર પણ ઉપયોગમાં લેવાતા હોય છે.જુના સ્લીપર ને ગોળ કાપીને પૈંડા આકારના બનાવીને તેને ખીલા અને લાકડીના ઉપયોગથી ગાડી બનાવીને રમતા બાળકો પણ દેખાતા હોય છે.રમકડાંઓમાં વિવિધ જાતના દડાઓનો પણ સમાવેશ થાય છે.રબર પ્લાસ્ટિક ના દડાઓ મળતા હોય છે.પહેલાના સમયમાં જુના ચીંથરાઓ અને કપડાના ઉપયોગથી કપડાના દડા બનાવાતા અને પછી તેના પર સુતરી થી ગુંથણી કરાતી હતી.નાના બાળકો કાગળના વિમાન બનાવીને પણ રમતા હોય એવા દ્રશ્ય પણ હજી દેખાતા હોય છે.લાકડી માંથી બનાવાતા ગીલ્લી દંડા ના નામથી તો મોટાભાગે બધા પરિચિત હોય છે.ગીલ્લી દંડાની રમત વર્ષોથી લોકપ્રિય રહી છે.પહેલાના સમયમાં બાળકો ઠેરઠેર ગીલ્લી દંડાની રમત રમતા નજરે પડતા હતા.જોકે હજી આ વાત કેટલેક અંશે જળવાઇ રહી છે.આમ હજી આધુનિક રમકડાંઓન‍ા મોટા આક્રમણ બાદ પણ દેશી રમકડાંઓની બોલબાલા જળવાઈ રહી છે અને તે વાત આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના જતન માટેની એક ઉમદા બાબત ગણી શકાય.