સેરેના ૨૦માંથી ૧૯મી વખત ત્રીજા રાઉન્ડમાં, ઓસાકા V/s કોકો મુકાબલો હાઇવોલ્ટેજ બનશે

 • સેરેના ૨૦માંથી ૧૯મી વખત ત્રીજા રાઉન્ડમાં, ઓસાકા V/s કોકો મુકાબલો હાઇવોલ્ટેજ બનશે

  • 23-01-2020
  • 1122 Views

  વિશ્વની આઠમી ક્રમાંકિત અમેરિકાની સેરેના વિલિયમ્સે એક કલાક ૧૮ મિનિટ સુધી રમાયેલી મેચમાં તમારા ઝિદાનસેકને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેના ૨૦ વખત રમી છે અને તે ૧૯મી વખત ત્રીજા રાઉન્ડમાં પ્રવેશવા ઉપરાંત મેલબોર્ન પાર્ક ખાતે તેણે સતત સાતમો વિજય પણ હાંસલ કર્યો હતો. ૧૯૯૮માં સેરેનાએ રાઉન્ડ ઓફ ૩૨માં તે સમયની છઠ્ઠી ક્રમાંકિત આઇરિના સ્પિર્લી સામે પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવીને અપસેટ સર્જ્યો હતો પરંતુ તે બીજા રાઉન્ડમાં તેની મોટી બહેન વિનસ વિલિયમ્સ સામે હારી ગઇ હતી. ઓવરઓલ ગ્રાન્ડસ્લેમના ઇતિહાસમાં સેરેના રોલેન્ડ ગરોસ ખાતે રમાતા ફ્રેન્ચ ઓપનમાં ગાર્બિન મુગુરુઝા સામે ૨૦૧૪માં ત્રીજા રાઉન્ડમાં હારી ગઇ હતી. સેરેનાએ ઝિદાનસેક સામે ૨૫ વિનર્સ ફટકારવા ઉપર સાત એસ પણ નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટના વિક્રમી ૨૪ ગ્રાન્ડસ્લેમના રેકોર્ડને સરભર કરવાના લક્ષ્યાંક સાથે રમી રહેલી સેરેનાનો આગામી મુકાબલો ચીનની ૨૭મી ક્રમાંકિત વાંગ કિયાંગ સામે થશે.

  ૨૦૧૯ની ચેમ્પિયન નાઓમી ઓસાકાએ ચીનની ઝેંગ સેઇસેઇને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૨, ૬-૪થી હરાવીને વિમેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. તેનો સામનો ૧૫ વર્ષીય કોકો ગોફ સાથે થશે. કોકો ગોફે અનુભવી ખેલાડી સોરાના ક્રિસ્ટિયૂને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૪-૬, ૬-૩, ૭-૫થી હરાવી હતી. તે ગયા વર્ષે વિમ્બલ્ડનમાં સાત વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન વિનસ વિલિયમ્સને હરાવી ચૂકી છે. કોકો ગોફ અને નાઓમી ઓસાકા વચ્ચેનો મુકાબલો હાઇવોલ્ટેજ બને તેવી પૂરી સંભાવના છે.

  પેટ્રા ક્વિટોવા, કેરોલિન વોઝનિયાકીની આગેકૂચ

  ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૧૯ની રનર્સ-અપ પેટ્રા ક્વિટોવાએ પાઉલા બાડોસાને ૭-૫, ૭-૫થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. વિશ્વની ભૂતપૂર્વ નંબર-૧ ખેલાડી તથા કારકિર્દીમાં છેલ્લો ગ્રાન્ડસ્લેમ રમી રહેલી ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકીએ યુક્રેનની ડાયના યાસ્ટ્રેમ્સ્કાને ૭-૫, ૭-૫થી હરાવી હતી. વિશ્વની પ્રથમ ક્રમાંકિત એશ્લે બાર્ટીએ પણ પોલોના હર્કોગને ૬-૧, ૬-૪થી હરાવી હતી. વરસાદના કારણે વિમેન્સ સિંગલ્સના કેટલાક મુકાબલા નિર્ધારિત સમય કરતાં મોડા ચાલી રહ્યા છે. મંગળવારે વિમેન્સ સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડના આઠ મુકાબલા રમાયા નહોતા. જુલિયા જ્યોર્જિસે ૧૩મી ક્રમાંકિત પેટ્રા ર્માિટચને ૪-૬, ૬-૩, ૭-૫થી હરાવી હતી. પ્રથમ રાઉન્ડની મેચમાં સ્પેનના કાર્લા સુઆરેઝ નવારોએ ૧૧મી ક્રમાંકિત એરિના સબાલેન્કોને ૭-૬, ૭-૬થી ટેલરે અમેરિકાની જેસિકા પેગુલાને ૬-૪, ૭-૬થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત સોફિયા કેનિન, એલિસન રિસ્કે તથા એક્ટરિના એલેક્ઝાન્ડોવાએ પણ પોતાની આગેકૂચ જારી રાખી હતી.

  પ્રથમ સર્વિસમાં ૪૬માથી ૪૩ પોઇન્ટ હાંસલ કરી નોવાક જોકોવિચ ત્રીજા રાઉન્ડમાં

  સોમવારે પ્રથમ રાઉન્ડમાં કપરા સમયનો સામનો કરનાર સર્બિયાના બીજા ક્રમાંકિત નોવાક જોકોવિચે વાઇલ્ડ કાર્ડ ધરાવતા જાપાનના તાત્સુમા ઇટોને ૬-૧, ૬-૪, ૬-૨થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જોકોવિચે મુકાબલામાં ૧૭ અનફોર્સ એરર કરવા ઉપરાંત ૩૧ વિનર્સ ફટકાર્યા હતા. મેચમાં ૧૬ એસ ફટકારનાર ૨૦૧૯ના ચેમ્પિયન જોકોવિચે મેચમાં સર્વિસ દરમિયાન માત્ર ૧૧ પોઇન્ટ (૫૩/૬૪) ગુમાવ્યા હતા. તેણે પોતાની પ્રથમ સર્વિસમાં ૯૩ ટકા પોઇન્ટ્સ (૪૬માંથી ૪૩) હાંસલ કર્યા હતા. મેન્સ સિંગલ્સમાં ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસને વોકઓવર મળ્યો હતો. તેનો હરીફ ખેલાડી ફિલિપ કોલશ્રેબર ઇજાના કારણે મુકાબલામાંથી ખસી ગયો હતો. યુએસ ઓપનના ભૂતપૂર્વ વિજેતા મારિન સિલિચે ફ્રાન્સને બેનોઇટ પિયરેને પાંચ સેટ સુધી રમાયેલી મેચમાં ૬-૨, ૭-૬ (૮-૬), ૬-૩, ૧-૬, ૬-૭ (૩-૧૦)થી પરાજય આપ્યો હતો. ડિએગો શ્વાર્ટઝમાને એક કલાક ૫૬ મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ ક્વોલિફાયર એલેજાન્દ્રો ડેવિડોવિચ ફોકિનાને ૬-૧, ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો.