તમને ખબર છે 10 વર્ષ પહેલાં જે રેકોર્ડ ચૂક્યો હતો સહેવાગ,તે આજે પણ નથી બનાવી શક્યું કોઇ

Published on BNI NEWS 2019-12-05 11:41:23

  • 05-12-2019
  • 1052 Views

  10 વર્ષ પહેલાં આજના જ દિવસે ક્રિકેટના ઈતિહાસનો એક મોટો રેકોર્ડ બનતાં-બનતાં રહી ગયો હતો. એ મોટા રેકોર્ડના ગવાહ બનવા મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પહોંચેલા હજારો દર્શકો એ દિવસે નિરાશ થઈ પાછા ફર્યા હતા. એ રેકોર્ડ બનવાનો હતો ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગના હાથે. 4 ડિસેમ્બર 2009 ના રોજ સહેવાગ એક એવો રેકોર્ડ ચૂક્યો હતો, જેને આજ દિન સુધી કોઇ બનાવી શક્યું નથી.

  ઉલ્લેખનિય છે કે, ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રિપલ સેન્ચ્યુરી મારી ચૂકેલ વીરેન્દ્ર સહેવાગ ત્રીજી વાર ત્રિપલ સેન્ચ્યુરીની નજીક પહોંચી ગયો હતો. જઓ તે 300 ના જાદુઇ આંકડાને પાર કરી જાત તો, ત્રણ ત્રિપલ સેન્ચ્યુરી મારનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની જાત. ટેસ્ટ ક્રિકેટમાં ડૉન બ્રેડમેન, બ્રાયન લારા, ક્રિસ ગેલ અને વીરેન્દ્ર સહેવાગના નામે બે-બે ત્રિપલ સેન્ચ્યુરી છે, પરંતુ ત્રણ ત્રિપલ સેન્ચ્યુરી હજી સુધી કોઇ મારી શક્યું નથી.

  શ્રીલંકા સામે એ દિવસે ટેસ્ટ મેચના બીજા દિવસે 284 રને નૉટ આઉટ રહેનાર સહેવાગ તરફથી એવી આશા હતી કે, ત્રીજા દિવસે તે ત્રિપલ સેન્ચ્યુરી પૂરી કરી ઈતિહાસ બનાવી દેશે. પરંતુ ત્રીજા દિવસે ચોથી જ ઓવરમાં વીરૂનું સપનું ચકનાચૂર થઈ ગયું. 293 રને સહેવાગ મહાન ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરનના દડા પર કેચ-આઉટ થઈ ગયો અને મેદાનમાં સન્નાટો છવાઇ ગયો.

  મેચના ત્રીજા દિવસે સહેવાગ માત્ર 9 જ રન ઉમેરી શક્યો. 254 બૉલમાં 40 ફોર અને 7 સિક્સની તોફાની ઈનિંગમાં 293 રન બનાવી સહેવાગ પેવેલિયનમાં પાછો ફર્યો ત્યારે દર્શકોએ ઊભા થઈ સહેવાગનું અભિવાદન કર્યું હતું, પરંતુ સહેવાગ ત્રિપલ સેન્ચ્યુરી ચૂકી ગયો એ વાતથી ભારતીય પ્રશંસકો આજે પણ દુ:ખી છે.