રોજ ના નાસ્તા માટે બનાવી રાખો કડક મસાલા પૂરી

 • રોજ ના નાસ્તા માટે બનાવી રાખો કડક મસાલા પૂરી

  • 05-12-2019
  • 758 Views

  બાળકોને નાસ્તામાં રોજ શું આપવું તેનું ટેન્શન બધી જ મમ્મીઓને હોય છે. રોજ એકજ નાસ્તો આપો તો બાળકો ખાય નહીં. ઉપરાંત રોજ બજારમાંથી તૈયાર નાસ્તા લાવવા પણ પોસાય નહીં. સાથે-સાથે એ કેટલા હેલ્ધી રહેશે તેની ચિંતા હંમેશાં રહે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કડક મસાલા પૂરીની રેસિપિ. રવિવારની રજામાં બનાવીને મૂકી દો, 10-15 દિવસ સુધી નાસ્તાની ચિંતા નહીં રહે. ઉપરાંત બાળકોની સાથે-સાથે મોટાંને પણ ચા સાથે નાસ્તામાં ખાવામાં બહુ મજા આવશે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


  કડક મસાલા પૂરી સામગ્રી

  બે કપ મેંદો અથવા ઘઉંનો લોટ
  એક કપ બેસન
  અડધો કપ મેથી ઝીણી સમારેલી
  બે ચમચી આદું-લસણની પેસ્ટ
  અડધી ચમચી ગરમ મસાલો
  અડધી ચમચી હળદર પાવડર
  એક ચમચી ધાણા પાવડર
  લાલ મરચું પાવડર
  એક નાની ચમચી અજમો
  સ્વાદ અનુસાર મીઠું
  તેલ


  રીત

  સૌપ્રથમ મેંદો અથવા ઘઉંનો લોટ અથવા બેસન મિક્સ કરી એક વાસણમાં ચાળી લો. હવે લોટમાં મેથીના પત્તા, આદું-લસણની પેસ્ટ, અજમો, હળદર, ઘાણા, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરો. ત્યાર બાદ લોટમાં થોડું-થોડું પાણી મિક્સ કરી કડક લોટ બાંધી લો. લોટને 15 મિનિટ માટે ઢાંકી લો. ત્યારબાદ લોટમાંથી નાના-નાના ગુલ્લા બનાવી રાખો, તેની પૂરીઓ વણી લો. ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તેલમાં પૂરી નાખી મધ્યમ આંચ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પૂરી બંને બાજુ તળાઇ જાય એટલે નીતારીને પ્લેટમાં કાઢી લો. આ જ રીતે બાકીની બધી જ પૂરીઓ તળીને તૈયાર કરી દો.