ભારત પાકિસ્તાનથી પણ પાછળ મોબાઇલ બ્રોડબેન્ડ સ્પીડમાં, ટોપ- 5માં કાયા દેશ છે જાણો

Published on BNI NEWS 2020-05-23 13:53:48

  • 23-05-2020
  • 1158 Views

  મોબાઇલ બ્રોડબેન્ડ સ્પીડમાં ભારત ત્રણ સ્થાન નીચે ખસીને 132મા સ્થાન પર આવી ગયું છે. આ આંકડા એપ્રિલ મહિનાના છે, જે Ooklaની સ્પીડ ટેસ્ટમાં સામે આવ્યાં છે. આંકડાઓ બયાન કરે છે કે, એપ્રિલમાં ભારતની સરેરાશ મોબાઇલ બ્રોડબેન્ડ સ્પીડ 9.81 એમબીપીએસ રહી, તો એની સરેરાશ અપલોડ સ્પીડ 3.98 એમબીપીએસ રહી છે. સ્પીડટેસ્ટ કરતી કંપની Ookla દર મહિને મોબાઇલ બ્રોડબેન્ડ સ્પીડના આધારે 139 દેશોની યાદી બનાવે છે. કંપની દર મહિને મોટી સંખ્યામાં ટેસ્ટ કર્યા પછી એનો ડેટા તૈયાર કરે છે.

  ટોપ 5 દેશ
  દુનિયાભરની સરેરાશ મોબાઇલ ડાઉનલોડ સ્પીડની વાત કરીએ તો એપ્રિલમાં 30.89 એમબીપીએસ અને અપલોડ સ્પીડ 10.50 એમબીપીએસ રહી છે. સ્પીડટેસ્ટમાં દક્ષિણ કોરિયાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. અહીં મોબાઇલ ડાઉનલોડ સ્પીડ 88.01 એમબીપીએસ છે અને મોબાઇલ અપલોડ સ્પીડ 18.14 એમબીપીએસ રહી છે. ટોપ 5માં સામેલ અન્ય દેશો કતર, ચીન, યુએઈ અને નેધરલેન્ડ છે.

  ભારત – પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ પાછળ
  સ્પીડની બાબતે ભારતને પાકિસ્તાન અને નેપાળ જેવા દેશોએ પણ પાછળ પાડી દીધો છે. નેપાળે પાંચ સ્થાન આગળ વધીને 111મો નંબર મેળવ્યો છે, તો પાકિસ્તાને 112મું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત અન્ય બે પડોશી દેશો શ્રીલંકાએ 115મું અને બાંગ્લાદેશે 130મું સ્થાન મેળવ્યું છે. અન્ય દેશોની વાત કરીએ તો ફક્ત ઉઝબેકિસ્તાન, લીબિયા, અલ્જીરિયા, રવાન્ડા, સુદાન, વેનેઝુએલા અને અફઘાનિસ્તાન જેવા દેશો જ ભારતથી પાછળ છે.