જૂની Jewelry વેચીને નવી ખરીદતાં હોવ તો તમે પોતાનું જ કરી રહ્યાં છો નુકસાન, જાણો કેવી રીતે

Published on BNI NEWS 2020-03-27 14:43:40

  • 27-03-2020
  • 956 Views

  પહેલાંના સમયમાં માતા-પિતા પુત્રીનાં લગ્ન થયા ને પૈસાની જોગવાઈ ન થાય તો પોતાનાં જૂના દાગીના (Jewelry) તોડાવી નવા દાગીનાં ઘડાવી આપતાં, પરંતુ આધુનિક યુગમાં દાગીના પહેરવાની પણ ફેશન થઈ ગઈ. પહેલાંના જમાનામાં સ્ત્રીઓ પાસે મંગળસૂત્ર, ચાર બંગડી, ચેન અને એકાદ સોનાનો સેટ રહેતો જે પ્રસંગે પહેરતી, પરંતુ આધુનિક યુગમાં સ્ત્રીઓને આટલા દાગીના ઓછા પડવા લાગ્યા છે.

  જૂની Jewelry વેચીને નવી ખરીદવાના નુકસાન
  ઘરમાં, કિટી પાર્ટીમાં, વેવિશાળ, લગ્ન પ્રસંગ કે કોઈ પાર્ટીમાં જાય ત્યારે અલગ અલગ દાગીના ધારણ કરવા જોઈએ છીએ. એવી એક માન્યતા ઘર કરી ગઈ છે. તેથી જો પતિ ગર્ભશ્રીમંત ન હોય તો રૃપા જેવી સ્ત્રીઓ પોતાની શ્રીમંતાઈ બતાવવા જૂનાદાગીના વેચી તેમાં થોડાં પૈસા ઉમેરી નવા ખરીદી લાવે છે.


  જૂના વેચી નવા ખરીદવા ફાયદાકારક છે કે નુકસાનકારક તેનો તેઓ કદી વિચાર કરતી નથી. પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો તે એટલું ફાયદાકારક છે કે થોડા પૈસા ઉમેરી નવું ઘરેણું વસાવ્યાની હોંશ પુરી થાય છે.ફક્ત આ એક જ ફાયદા સિવાય બીજા નુકસાન ઘણા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે ઝવેરીની દુકાને દાગીનો વેચવા જાઓ તો દુકાનદાર પ્રથમ તે દાગીનો તેની દુકાનનો ઘડેલો છે કે નહીં તેની તપાસ કરશે. જો જૂનો દાગીનો તેની દુકાનનો હશે તો તે છતાં પણ તે તેના દસ ટકા કાપી લેશે. અને તેની દુકાનનો દાગીનો નહીં હોય તો પંદરથી વીસ ટકા કાપી લે છે.

  આનો અર્થ એમ થયો કે ગ્રાહકને સીધું નુકસાન જ થયું. ત્યારબાદ તે જૂના દાગીનામાં રેણ કરેલ કેટલી છે તેની તપાસ કરીને તેટલું ઓછું કરશે. આ ઉપરાંત ઘરેણું જો મીના કે પત્થર વગેરેથી ઘડાયેલું હશે તો તેની કિંમત બાદ કરશે, જ્યારે મીનાકારી ઘરેણું ખરીદ્યું હશે ત્યારે તેની પૂરી કિંમત ઝવેરીએ લઈ લીધી હશે પરંતુ પાછું લેતી વખતે સોનાના વજનમાંથી તેટલું વજન ઓછું કરશે.

  ઉપરના ઉદાહરણથી એક જ વાત સ્પષ્ટ થાય છે કે જૂના દાગીનાની ખરીદીમાં પણ તેને ચોખ્ખો નફો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દુકાનદાર આ જૂના દાગીના બહુ ઘસાઈ ગયા ન હોય તો તેને પૉલિશ કરી નવા જેવા બનાવી પૂરી કિંમત વસૂલ કરી લે છે.

  આ કારણોસર પહેલાંના સમયમાં વડીલો જૂના દાગીના તોડાવી સોનાર પાસે નવા ઘડાવતાં. તેઓ જૂના દાગીનાને ગળાવી તેનો શુદ્ધ સોનાનો ઢાળિયો બનાવી તેની શુધ્ધતાની ચકાસણી કરાવી પછી તેમાંથી નવો દાગીનો ઘડાવતા અને તે ઘરેણાંની શુધ્ધતાની પણ ફરી ચકાસણી કરાવતાં જેથી સોનાર તેમાં બીજી કોઈ ધાતુની ભેળસેળ કરી શકતો નહીં.

  જૂના સમયના દાગીના વેચો તો એમાં વધારે ખોટ જવાની શક્યતા પણ રહેલી હોય છે. પહેલાંના ૨૨ કેરેટનાં દાગીના સોની ખરીદી લે છે અને ૨૦ કેરેટના દાગીના ગ્રાહકોને પલ્લે પધરાવી ચોખ્ખો નફો રળી લેવાના દાખલાઓ પણ જોવા મળે છે.આ કામ દુકાનદારો ચાલાકીપૂર્વક કરતાં હોય છે. જો ગ્રાહકે આ જાતના નુકસાનથી બચવું હોય તો જૂના દાગીનામાંથી થોડો ટુકડો કાપી પોતાની પાસે રાખી લેવો અને નવો દાગીનો આવે ત્યારે તેની ગુણવત્તાની કસોટી કોઈ બીજા સોની પાસે કરાવવાથી બંને વચ્ચેના ફરકની જાણ થઈ શકે છે.આ બધા દાખલાઓ પરથી એક જ વાત સ્પષ્ટ થાય છે કે જૂના દાગીનાની બદલીમાં નવા દાગીનાની ખરીદી ગ્રાહક માટે નુકસાનકારક સાબિત થાય છે.