નવજાત શિશુની સંભાળ માટે આ વાતોનું રાખો ધ્યાન

 • નવજાત શિશુની સંભાળ માટે આ વાતોનું રાખો ધ્યાન

  • 23-01-2020
  • 4026 Views

  સગર્ભાવસ્થાના નવ માસ પૂરા કર્યા બાદ જ્યારે સ્ત્રીને ડિલિવરીનો દુખાવો ઊપડે છે અને જ્યારે તે હોસ્પિટલમાં દાખલ થાય છે અને સ્ત્રી જ્યારે એક બાળકને જન્મ આપે છે ત્યારે તેમના માતા-પિતા જ નહીં, પરંતુ કુટુંબના બધા જ સભ્યો ખૂબ જ આનંદથી રોમાંચિત થાય છે. તેના કુટુંબમાં હર્ષોલ્લાસનું વાતાવરણ ઊભું થઈ જાય છે.

  જ્યારે સ્ત્રી બાળકને લઈને હોસ્પિટલેથી ઘરે આવે છે ત્યારે બાળકનાં માતા-પિતા તથા તેમના કુટુંબીજનોએ આ બાળકના ઉછેરને માટે ખાસ પ્રકારની કાળજી લેવી જરૂરી હોય છે. એ બાબતની અહીં થોડી ચર્ચા કરવામાં આવી છે. આશા છે કે બૃહદ સમાજના લોકોને તે ઉપયોગી થશે.

  (૧) નવજાત શિશુની માતાએ તેમનો મોટાભાગનો સમય બાળક સાથે પસાર કરવાનો થાય છે. તે જ્યારે બાળકને હેન્ડલ કરે ત્યારે તેમણે તેના હાથ સાબુ દ્વારા સારી રીતે ધોયા બાદ જ બાળકને હેન્ડલ કરવું અથવા એન્ટિસેપ્ટિક સોલ્યુશન દ્વારા હેન્ડ વોશ કરીને બાળકને હેન્ડલ કરવું. બાળકમાં ઇમ્યૂન સિસ્ટમ ડેવલપ થયેલ ન હોય તેને ચેપ લાગી જવાની પૂરી શક્યતાઓ હોય છે. તેથી જે કોઈ પણ વ્યક્તિ બાળકને હેન્ડલ કરે ત્યારે તે એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી હાથ સાફ કરીને બાળકને હેન્ડલ કરે તે જરૂરી છે.

  (૨) નવજાત શિશુ હંમેશાં સ્પર્શની ભાષા જાણે છે. બાળકને હેન્ડલ કરતાં કુટુંબના સભ્યો ખાસ કરીને નવજાત શિશુની માતાને બાળક સાથે નિકટનો ઘરોબો હોય છે. બાળકના સ્પર્શ સાથે માતાને તેની સાથે લાગણીના સંબંધ હોય છે. બાળક પણ માતા સાથે લાગણીના સંબંધથી જોડાય છે અને આ વસ્તુ બાળકનાં શારીરિક વિકાસ સાથે સંકળાયેલ હોય છે, જેથી બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે.

  (૩) બાળક થોડું મોટું થાય એટલે કે એક કે બે માસનું થાય ત્યારે બાળકને અવાજ સાંભળવો ગમે છે. તમે તેની સાથે વાતો કરો અથવા ધીમું મ્યુઝિક વાગતું હોય અથવા શાંત સ્વરમાં ગીત વાગતું હોય તે બાળકને ગમે છે.

  અપવાદરૂપે કેટલાંક બાળકોને સ્પર્શ, પ્રકાશ-લાઇટ તેમજ ઘોંઘાટવાળું વાતાવરણ માફક આવતું નથી, તે રડવા માંડે છે અને ઊંઘતું નથી. આ સમયે બાળકને અનુકૂળ વાતાવરણમાં રાખવું જરૂરી છે.

  (૪) નવજાત શિશુને તેમના શરૂઆતના થોડા અઠવાડિયા સુધી કપડામાં લપેટીને સુવડાવવું એ હિતાવહ છે. કારણ કે બાળક ગર્ભાવસ્થામાં એ સ્થિતિમાં હોય છે પછી તુરંત જ ખુલ્લું રાખવામાં આવે તો તે અસુરક્ષિતતાનો અનુભવ કરે છે. કપડામાં હાથપગ સાથે લપેટીને માથું તેમજ ડોક ખુલ્લી રાખવાની હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં બાળક પોતાની જાતને સુરક્ષિત અનુભવ કરે છે અને ઊંઘ પણ સારી રીતે કરે છે.

  બાળકને ખુલ્લું રાખવામાં આવે તો તે હાથ-પગ હલાવ્યા કરે છે અને ઊંઘ સારી રીતે કરતું નથી અને તેના શરીરને જરૂરી હૂંફાળું વાતાવરણ ઊભું થતું નથી તેથી કપડામાં લપેટીને રાખવું વધારે અનુકૂળ આવે છે. બાળકને કપડામાં કઈ રીતે લપેટવું તેના સ્ટેપ સમજાવેલ છે.

  (A) સૌ પ્રથમ જે કપડામાં લપેટવું છે તેને આખું ખુલ્લું કરી ગાદલાં પર પાથરી દો. ઉપરના ભાગે આવેલ કપડાંને ફોલ્ડ કરી નીચે તરફ વાળી દો.

  (B) હવે બાળકને તે કપડાં ઉપર સુવડાવો. ફોલ્ડ કરેલા ભાગની ઉપર બાળકનું માથું તેમજ ડોક રહે તેનો ખ્યાલ રાખો.

  (C) હવે ડાબી બાજુથી કપડાના ભાગને બાળકના હાથ અને પગ અંદર રહે તે રીતે તેના શરીરને લપેટો,.

  (D) હવે નીચેથી કપડાને બાળકના પગથી ઉપરના ભાગે લપેટો.

  (E) હવ જમણી બાજુના કપડાના ભાગને હાથ-પગ અંદર રાખી બાળકને લપેટો. આ ભાગ વીંટાળીને બાળકના પાછળના ભાગે (કમરના ભાગે) રાખો.

  આમ થવાથી બાળક કપડામાં હાથ અને પગ સાથે લપેટાઈ જશે અને તેનું માથું તેમજ ડોકનો ભાગ ખૂલ્લો રહેશે.

  (૫) નવજાત શિશુ વારંવાર પેશાબ કરે છે એ જાગી જાય છે અને રડે છે.

  આ સમયે તમે ડિસ્પોઝેબલ ડાઇપરનો ઉપયોગ પણ કરી શકો છો અને કપડાનો ઉપયોગ પણ કરી શકાય છે. જેને સાદી ભાષામાં ‘બાળોતિયું’ કહે છે.

  બાળક પેશાબ કરે, ભીનું થાય એટલે બાળોતિયું બદલીને કોરામાં સૂવડાવવું. બાળક જ્યારે ઝાડો કરે ત્યારે તેનું ડાઇપર દૂર કરવું અથવા બાળોતિયું કાઢી, બાળકના પાણીવાળા કોટન બોલ્સથી સાફ કરવું. જનનાંગોને સાફ કરવા. બાળકી હોય તો ખાસ કાળજી લેવી. તેને પેશાબના માર્ગમાં ચેપ લાગવાની શક્યતાઓ વધુ હોય છે. કેટલીક વખત ચામડીમાં ફૂગનો ચેપ પણ લાગે છે. ત્યારે ડોક્ટરની સલાહ લેવી. બાળકની સફાઈ અંગે ખાસ કાળજી લેવી. સફાઈ બાદ હાથ એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરવા.

  (૬) નવજાત શિશુને સ્નાન કરાવવું

  (A) સ્પોન્જ બાથ (B) ટબ બાથ

  (A) સ્પોન્જ બાથ : નવજાત શિશુની નાડ (અમ્બિલિકલ કોર્ડ) ખરી ન પડે ત્યાં સુધી એટલે કે ૧થી ૪ અઠવાડિયા સુધી સ્પોન્જ બાથ કરાવવું.

  સ્પોન્જ બાથમાં, હૂંફાળો રૂમ હોય ત્યાં, ફ્લેટ સરફેઇસવાળું ટેબલ વગેરે લઈને બાળકને ખુલ્લું કરી વોશ ક્લોથને પાણીમાં ભીનું કરી નીચોવ્યા બાદ બાળકને સ્પોન્જ કરવામાં આવે છે. અંદરના ભાગથી બહારના ભાગે સ્પોન્ડ કરવામાં આવે છે. આંખ, કાન, નાક વગેરે સાફ કરવામાં આવે છે. કાળજીપૂર્વક સફાઈ કરવી. બીજી બાજુ સ્પોન્જ માટે બીજા વોશ ક્લોશનો ઉપયોગ કરવો. અંદરથી બહારની બાજુએ સ્પોન્જ કરવું. જનનાંગો, ડોકની આસપાસ, કાનની પાછળ, બગલમાં વગેરે જગ્યાએ કાળજીપૂર્વક સ્પોન્જ કરવું. સ્પોન્જ બાદ શરીરને કોરું કરવું. શરીરનો ભાગ સૂકાઈ જાય ત્યાર બાદ જ કપડાં પહેરાવવા.

  (B) ટબ બાથ : જ્યારે સૌ પ્રથમ વખત ટબ બાથ આપો ત્યારે તે ખૂબ જ કાળજીપૂર્વક અને જલદી પૂરું થઈ જાય તે રીતે આપવું. જ્યારે બાળક રડવા માંડે તો તુરત જ બાથ જલદી આટોપી લેવું અને ત્યાર પછી થોડા દિવસ સ્પોન્જ બાથ આપી ફરી ટબ બાથ માટે પ્રયત્ન કરવો. ટબ બાત માટે ટબમાં હૂંફાળું પાણી ૨-૩ ઇંચ સુધી જ ભરો તેનાથી વધારે લેવું નહીં. હૂંફાળા રૂમમાં ટબ રાખવું. બાળકને ખૂલ્લું કરી ટબમાં સ્નાન કરાવવું. બાળકની ચામડી ખૂબ જ કોમળ હોય છે. તેને ઠંડી અને ગરમીની અસર તુરત જ થાય છે તેથી ખૂબ જ કાળજી લેવી. તમારો હાથ બાળકના માથા નીચે શરીરને સપોર્ટ આપે તેમ રાખવોય. બીજા હાથ દ્વારા સ્નાન કરાવવું. વોશ ક્લોથનો ઉપયોગ તેનું માથું અને ચહેરાને સાફ કરવો. સ્નાન કરાવતી વખતે હૂંફાળું પાણી થોડું થોડું બાળકના શરીર પર રેડવું જેથી બાળકનું શરીર ઠંડું ન પડે. સ્નાન બાદ બાળકને ટુવાલમાં લપેટી લેવું અને કોરું કરવું.

  બાળકને સ્નાન કરાવતી વખતે ક્યારેય પણ એકલું છોડવું નહીં. બધી જરૂરી વસ્તુઓ સાથે લઈને જ સ્નાન કરાવવા બેસવું. ઊભા થવાની જરૂર પડે તો બાળકને ટોવેલમાં લપેટીને સાથે લઈ જવું.

  નાડ (અમ્બિનિકલ કોર્ડ)ની કાળજી

  સામાન્ય રીતે નાડ ૧૦ દિવસથી ત્રણ અઠવાડિયામાં ખરી પડે છે. આ ભાગને અલગ જ રાખવાનો હોય છે. કેટલાક ડોક્ટરો આલ્કોહોલથી સ્વોબ કરવાનું સૂચવે છે. ડોક્ટરની સલાહ મુજબ કરવું.

  નવજાત શિશુને માતાનું દૂધ : નવજાત શિશુને માતાનું દૂધ છ માસ સુધી આપવું. તે સિવાય બીજું કશું આપવાની જરૂર નથી. માતાને દૂધ બરાબર ન આવતું હોય ત્યારે નવજાત શિશુ માટેના દૂધના પાઉડરના ડબા માર્કેટમાં મળે છે. તેમાં બતાવ્યા મુજબ દૂધ બનાવી બોટલ દ્વારા અથવા ‘અમલિયુ’ દ્વારા દૂધ આપવું. બોટલ અથવા ‘અમલિયુ’ બરાબર સાફ કરવું.

  શરૂઆતમાં માતાનું દૂધ બાળકને દર બે કલાકે આપવું જરૂરી છે. ખરા અર્થમાં બાળકની માગણી અન્વયે આપવું જોઈએ. જ્યારે બાળક ભૂખ્યું થાય છે ત્યારે સામાન્ય રીતે તે રડે છે. ઘણી વખત બાળક પોતાના આંગળા પોતાના મોઢામાં નાખે છે અથવા ફીડિંગ કરતો હોય તેવો અવાજ બાળક કરે છે. તેથી આપણે સમજવું કે બાળક ભૂખ્યું થયું છે.

  બાળકને ફીડિંગ આપ્યા બાદ માતાએ બાળકને પોતાના ખભે લઈ તેની પીઠ પાછળ થપથપાવવું આથી બાળકને ગેસ નીકળી જાય છે. ઓડકાર આવી જાય પછી સુવડાવવું. ઘણી વખત ફીડિંગ બાદ બાળક દૂધ ઊલટી કરી કાઢી નાખે છે. આવા સમયે બાળકને ૧૦-૧૫ મિનિટ સુધી ફીડિંગ આપ્યા બાદ ઊભું રાખવું અથવા ખભે રાખવું. જેથી ગેસ નીકળી જવાથી ઊલટીની શક્યતાઓ છી રહે છે.

  જો બાળક ઝાડો-પેશાબ બરાબર કરતું હોય અને પૂરતી ઊંઘ કરતું હોય તેનું વજન બરાબર વધતું હોય તો તે ફીડિંગ બરાબર લે છે તેથી ચિંતાનું કોઈ કારણ નથી.

  નવજાત શિશુની ઊંઘ બાબતે

  નવજાત શિશુ દિવસમાં ૧૬ કલાક કે તેથી વધારે ઊંઘ કરે છે. બાળક આખી રાત ઊંઘ કરે તેવું હોતું નથી. બાળકની હોજરી ખૂબ જ નાની હોવાથી વારંવાર ભૂખ્યું થાય છે તેથી જાગી જાય છે અને રડે છે. ફીડિંગ લીધા બાદ ઊંઘી જાય છે. ઘણી વખત એવું બને છે કે, બાળક દિવસ દરમિયાન ઊંઘે છે અને રાત્રે ઊંઘ ઓછી કરે છે. બાળકની પોતાની પેટર્ન હોય છે. આ માટે કોઈ ચિંતાનું કારણ નથી.

  બાળકનો ઉછેર ઘણી કાળજી માગી લે તેમ છે. આ બાબતમાં આસપાસના લોકો ઘણી જ સલાહ આપતાં હોય છે. આપણે જાણી લેવું જરૂરી છે કે તેના દ્વારા બાળકને કોઈ મુશ્કેલી થતી નથી ને? આ સમયે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.