ગણેશ સુગરના વહીવટકર્તાઓ સામે કલમ ૮૬ મુજબ તપાસ માંથી બચવા વહીવટકર્તાઓના ધમપછાડા.

Published on BNI NEWS 2020-07-03 21:42:13

  • 03-07-2020
  • 459 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)
  ગણેશ સુગરના વહીવટકર્તાઓ પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કલમ ૮૬ હેઠળ ની તપાસ પર સ્ટે લાવવા હાઈકોર્ટમાં પહોંચ્યા. 
  હાઈકોર્ટ દ્વારા તાત્કાલીક સુનાવણી નહીં કરી આગામી ૧૬મી ના રોજ સુનાવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો.

  ગણેશ સુગર વટારીયાના વર્તમાન વહીવટકર્તાઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના આક્ષેપો સામે ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા ૮૬ હેઠળ તપાસ સોંપવામાં આવેલી તેની સામે તપાસમાં સુગરના વહીવટકર્તાઓ હાઇકોર્ટના શરણે ગયા હતા.હાઈકોર્ટમાં સ્ટે મેળવવા ગયેલા વહીવટ કર્તાઓને કોર્ટ દ્વારા આગામી ૧૬મી જુલાઈ ના રોજ સુનાવણીની તારીખ આપી છે.
  શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયાના વર્તમાન વહીવટકર્તાઓ સામે સુગરના હજારો સભાસદો વતી ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા વહીવટકર્તાઓએ સુગરમાં કરેલા ભ્રષ્ટાચાર સામે છેલ્લા કેટલા સમયથી કાયદાકીય લડત આપવામાં આવી રહી છે.ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સુગરના વહીવટકર્તાઓ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર આક્ષેપ સાથે જિલ્લા રજીસ્ટ્રાર થી લઈ ખાંડ નિયામક, સહકાર મંત્રી, મુખ્યમંત્રી,વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી ખેડૂતો અને સુગરના સભાસદો સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવી રજૂઆત કરવામાં આવી છે.સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઇ ગત ૧.૬.૨૦ ના રોજ સુનાવણી રાખવામાં આવેલી જેમાં સુગર તરફે મેનેજિંગ ડિરેક્ટર તથા અરજદારો તરફે પુષ્પેન્દ્ર સિંહ સુણવા,જીતેન્દ્રસિંહ જાદવ,દિલીપ સિંહ મહિડા વિગેરે અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. તા.૧૧.૬.૨૦ ના રોજ ખાંડ નિયામક દ્વારા ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ ૮૬ ની જોગવાઈ અંતર્ગત શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયા ના વહિવટ સબંધે મંડળીના કામકાજ અને આર્થિક સ્થિતિ સંદર્ભે ૨૪ જેટલા સંવેદનશીલ મુદ્દાઓ પરત્વે ઉડાણ ભરી તપાસ કરવા ચોકસી તપાસ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ તાપી જિલ્લાને હુકમ કરવામાં આવ્યો હતો. ચોકસી તપાસ અહેવાલ હુકમની તારીખથી દિન ૩૦ માં રજૂ કરવા માટે જણાવાયુ હતું.ચોકસી તપાસ અધિકારી નિયુક્તિ બાદ સંઘર્ષ સમિતિ દ્વારા હાઇકોર્ટમાં અને નાયબ સચિવ અપીલ સમક્ષ કેવીએટ દાખલ કરવામાં આવી હતી.ચોકસી તપાસ અધિકારીની નિમણૂક બાદ ગણેશ સુગરના વહીવટકર્તાઓ દ્વારા સંવેદનશીલ ૨૪ મુદ્દાની ચોકસી તપાસ પર સ્ટે લાવવા માટે હાઈકોર્ટનું શરણું પકડ્યું છે.હાઈકોર્ટ દ્વારા ૮૬ કલમ મુજબ તપાસની સામે તાત્કાલિક કોઈ સુનાવણી નહીં કરી આગામી ૧૬.૭.૨૦ ના રોજ સુનાવણીની તારીખ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંડ નિયામક દ્વારા ચોકસી તપાસ અધિકારીને ૨૪ સંવેદનશીલ મુદ્દાઓ પર ઉડાણ ભરી તપાસ કરી ૩૦ દિવસમાં અહેવાલ આપવા એ જણાવ્યું હતું તે મુદત આગામી ૧૧.૭.૨૦ પૂર્ણ થાય છે.ત્યારે ચોકસી તપાસ અધિકારી ૧૬.૭.૨૦ પહેલા જ તેમની તપાસ પ્રક્રિયા પૂર્ણ કરી ખાંડ નિયામકને ચોકસી તપાસનો અહેવાલ સુપરત કરશે.

  વર્તમાન ચેરમેન નિષ્પક્ષ તપાસ કરાવે: સંઘર્ષ સમિતિ 

  ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના પુષ્પેન્દ્રસિંહ સુણવાએ જણાવ્યું હતું કે ગણેશ સુગરના વહીવટદારો સામે ખાંડ નિયામકે કલમ ૮૬ મુજબ ચોકસી તપાસ હાથ ધરાવી છે, ત્યારે સુગરના એમડી દ્વારા જે કોર્ટમાં ૮૬ મુજબની સંવેદનશીલ મુદ્દાઓની તપાસ સામે સ્ટે માટે માંગણી કરી છે જે સભાસદના હિતમાં નથી. ચેરમેને નિષ્પક્ષ તપાસ કરાવવી હોય તો તેમણે રાજીનામું આપી તપાસમાં સહકાર આપવો જોઈએ પરંતુ આટલા સંવેદનશીલ મુદ્દા હોવા પછી પણ તેમને તપાસ સામે સ્ટે લાવવામાં રસ છે. તપાસ થશે તો વહીવટદારો દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બહાર આવશે અને ખેડૂતો તથા સુગરના સભાસદોને ન્યાય મળશે.