પીરિયડ દરમિયાન મહિલાઓને ચિંતા દૂર કરીને ખુશ રાખતાં પાંચ ઉપાયો

Published on BNI NEWS 2020-05-24 12:09:01

  • 24-05-2020
  • 1148 Views

  સામાન્ય રીતે પીરિયડ (માસિક ચક્ર) દરમિયાન મહિલાઓના મૂડમાં ઝડપથી ફેરફારો થાય છે. આ ગાળામાં શરીરની અંદર અંતઃસ્ત્રાવોના સ્તર પર મોટી અસર થાય છે. એનાથી મૂડ ઝડપથી સ્વિંગ થાય છે. એટલે આ ગાળામાં તમારો મૂડ સારો જાળવવા માટે ઉચિત ઉપાયો અપનાવો. એનાથી તમારી આસપાસના લોકોને પણ લાભ થશે. તમારો મૂડ ખરાબ થવાથી તમારો જ નહીં પણ ઘરના સભ્યો અને સાથી કર્મચારીઓ પર પણ અસર થાય છે. પીરિયડના એક અઠવાડિયા અગાઉ અને આ સમયગાળા દરમિયાન તમારા સ્વભાવનું ધ્યાન રાખો. જો તમારો મૂડ સ્વિંગ થતો હોય તો, તમારી જીવનશૈલીમાં નાનાં-મોટાં પરિવર્તનો કરો. અહીં મહિલાઓને પીરિયડ દરમિયાન મૂડ સારો રાખવા અને ખુશ રહેવાના પાંચ રહસ્ય જણાવવામાં આવ્યો છે. એને અપનાવશો તો જરૂર તમને ફાયદો થશે…..

  મનપસંદ નહીં, પણ સ્વાસ્થ્ય જાળવે એવું ભોજન લો
  આપણા ભોજનની સીધી અસર આપણા મૂડ પર થાય છે. તમારા ભોજનમાં ઓછી શુગર અને કાર્બોહાઇડ્રેટ ધરાવતા ખાદ્ય પદાર્થોને સામેલ કરો. મેગ્નેશિયમનું ઊંચું પ્રમાણ ધરાવતા પદાર્થોનું પ્રમાણ વધારો. કેળું ખાવ. એમાં મેગ્નેશિયમ ઘણું હોય છે અને આ સરળતાથી ઉપલબ્ધ છે. એનાથી તમને મૂડને ઠીક કરશે અને ઊર્જા પણ મળશે. દિવસ ત્રણ વાર ભોજન કરવાને બદલે છ વાર ઓછા પ્રમાણમાં ભોજન લો. એનાથી શરીરમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહેશે.

  એક્સરસાઇઝ કરો
  પીરિયડ દરમિયાન શરીરમાં દુઃખાવો થાય. મૂડ અવારનવાર બદલાય છે. એટલે એક્સરસાઇઝ ન કરવા તમારી એક નહીં અનેક બહાના હશે. પણ મૂડને ઠીક કરવા અને ખુશ રહેવા એક્સરસાઇઝથી સારો ઉપાય અન્ય કોઈ નથી. એનાથી સ્નાયુઓ છૂટા પડશે અને શરીરમાં એન્ડોર્ફિન અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધશે. વળી એનાથી સારી ઊંઘ પણ આવશે.

  જળ એ જ જીવન
  પાણી તર છીપાવવાની સાથે મનને શાંત રાખવામાં પણ મદદ કરે છે. પાણી શરીરને બહારથી સાફ કરવાની સાથે મનમાં તાજગીનો સંચાર પણ કરે છે. જો મૂડ વધારે ખરાબ હોય, તો ઠંડા કે હૂંફાળા પાણી સાથે થોડો સમય સ્નાન કરો. એનાથી પીરિયડના કારણે શરીરમાં થતા દુઃખાવામાં પણ રાહત મળશે. જો તમને સ્વિમિંગનો શોખ હોય, તો સ્વિમિંગ કરો. વ્યાયામ પણ થઈ જશે અને મૂડી પણ સુધરશે. એક ગ્લાસ પાણીમાં થોડા લીંબુનો રસ નાંખો. ધીમે ધીમે પીવો. મન શાંત હશે અને શરીરને ઊર્જા મળશે.

  થોડો ડાન્સ કરો
  મૂડી બરોબર કરવા વ્યાયામ શ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે તમારો મૂડ ખરાબ હોય, ત્યારે જિમ કે પાર્કમાં જવું ગમતું નથી. આ સ્થિતિસંજોગોમાં તમે ડાન્સ કરી શકો છો. આ માટે તમને સરસ ડાન્સ આવડતો હોય કે તમે ડાન્સમાં કુશળ હોય એવું જરૂરી નથી. તમારું મનપસંદ ગીત વગાડો અને ડાન્સ કરવાનું શરૂ કરો. શરીરમાં ઊર્જાનો સંચાર અનુભવશો અને ધીમે ધીમે તમે સારું અનુભવશો.

  નેગેટિવ લોકોથી દૂર રહો
  જો તમારો મૂડ બગડી જાય તો નેગેટિવ સ્વભાવ ધરાવતા લોકોથી શક્ય હોય એટલા દૂર રહેવાનો પ્રયાસ કરો. આ પ્રકારનાં લોકો જિદ્દી હોય છે અને પોતાનો સ્વભાવ બદલતા નથી. દૂધમાં ફોરા કાઢવા આ લોકોની પ્રકૃતિ છે. આ પ્રકારના લોકો સાથે રહેવાથી તમારો મૂડ સારો થવાને બદલે વધારે બગડી જશે. તમને હંમેશા ખુશ જોવા ઇચ્છે એવા લોકો સાથે સમય પસાર કરો. તમારો ઉત્સાહ વધારે એવા લોકો સાથે મેળ વધારો.