સ્ટેચ્યુ ઓફ યનિટી-કેવડિયામાં કોયલા અને ખાણ વિભાગની ચિંતન શિબિરનો કેન્દ્રીય મંત્રીએ કરાવ્યો પ્રારંભ.

 • સ્ટેચ્યુ ઓફ યનિટી-કેવડિયામાં કોયલા અને ખાણ વિભાગની ચિંતન શિબિરનો કેન્દ્રીય મંત્રીએ કરાવ્યો પ્રારંભ.

  • 18-02-2020
  • 287 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ, રાજપીપળા)

  ભારત પાસે કોલસાનો પૂરતો જથ્થો છે અને આયાત ઘટાડી કોલસાની બાબતમાં દેશને આત્મનિર્ભર બનાવવાનું આયોજન આ ચિંતન શિબિરમાં વિચારાશે : કેન્દ્રીય કોલસા મંત્રી પ્રલ્હાદ જોશી 

  કેન્દ્રીય કોલસા અને ખાણ વિભાગના મંત્રીશ પ્રલ્હાદ જોશીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયામાં ટેન્ટસિટી નંબર-૧ ખાતે કેન્દ્રીય કોલસા સચિવ  અનીલકુમાર જૈન, કેન્દ્રિય ખાણ સચિવ સુશીલકુમાર, કોલ  ઇન્ડિયાના ચેરમેન  પ્રમોદ અગ્રવાલ, SCCL ના ચેરમેન  એન.શ્રીધર, NLC ના ચેરમેન રાકેશકુમાર, કોલ ઇન્ડિયાની આનુસંગિક કંપનીઓના ચેરમેન-મેનેજીંગ ડિરેક્ટરો તેમજ કેન્દ્રીય કોલસા મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીશઓની ઉપસ્થિતિમાં આજથી યોજાયેલી દ્વિ- દિવસીય ચિંતન શિબિરને ખુલ્લી મૂકી હતી. 

  કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રલ્હાદ જોશીએ જણાવ્યું હતું કે, ભારત પાસે વિશ્વનો પાંચમા ભાગનો કોલસાનો હિસ્સો રિઝર્વ છે.આમ છતાં કોલસાની કરાતી આયાતનું પ્રમાણ એકદમ જૂજ અને નજીવું થાય તે માટે કેટલીક કોકિંગ કોલની આયાત સિવાયના અન્ય કોલસાની આયાતનું પ્રમાણ ઓછું કરીને  ભારત કોલસા ઉત્પાદનમાં આત્મનિર્ભર કઈ રીતે બની શકે તે દિશાની વ્યાપક ચર્ચા અને વિમર્શ આ ચિંતન શિબિરમાં કરવામા આવી રહી છે.

   કોલ ઈન્ડિયા લિમિટેડ કંપની વિશ્વની સહુથી મોટી કોલસા કંપની છે અને કોલસા ઉત્પાદનમાં નવા આયામો થકી વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આગામી ૨૦૨૩-૨૪ ના  નાણાંકીય વર્ષ સુધીમાં એક બિલિયન ટન  (૧ હજાર મિલિયન ટન) કોલસાનું ઉત્પાદન કઈ રીતે થઇ શકે તેની વ્યાપક  રૂપરેખા આ શિબિરમાં નક્કી કરાશે.

  દેશની કોલસાની જરૂરીયાતને ધ્યાને લઇને તેની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો જે ગેપ છે તે ગેપની પૂર્તિ માટે ભારત સરકારે તાજેતરમાં જ ભારતીય કોલ ઉદ્યોગને સંપૂર્ણ રીતે ખુલ્લો મુક્યો છે.ત્યારે હવે ભારતમાં કોલસા ઉત્પાદન માટે કોઈ પણ કંપનીને તેના પૂર્વ અનુભવની જરૂરિયાત રહેતી નથી. કોઈ પણ  ક્ષેત્ર માટે કોલસાના ઉપયોગ માટે  ખોદાણ માટે ફાળવણી કરાશે.એટલે કે હવે ભારતની રજીસ્ટર્ડ કોઈ પણ કંપની કોલસાના ઉત્પાદન માટેની હરાજીની  પ્રક્રિયામાં ભાગ લઈ શકશે અને જે તે કોલસા ઉત્પાદનનો કોઈ પણ ક્ષેત્રમાં ઉપયોગ કરવાની સાથે તેનું વેચાણ પણ કરી શકશે. 

  કેવડિયા ખાતે દ્વિ-દિવસીય યોજાયેલી  આ ચિંતન શિબિરમાં ઉર્જા સહિત કોલસાનું ભવિષ્ય,કોલસા ઉદ્યોગનું આધુનિકીકરણ,નીતિગત ફેરફાર સહિત  ભારતીય કોલસા ઉદ્યોગ સાથે જોડાયેલા વિષયો પર વ્યાપક ચર્ચા- વિચારણા કરાશે અને આ શિબિરના નિષ્કર્ષ રૂપે મહત્વના મુદ્દાઓ સંદર્ભે ભવિષ્યમાં તેના અમલીકરણ માટેની રૂપરેખા તૈયાર કરાશે.