આદિવાસીઓના ન્યાય માટે PM મોદીને મળ્યા રાજ્યના સાંસદો : રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદી માંથી દૂર કરવા રજુઆત કરી.

Published on BNI NEWS 2020-02-12 17:30:01

  • 12-02-2020
  • 526 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા,બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા,છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો.ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા અને રબારી,ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી છે.

  આ બાબતે ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અમે પીએમ મોદીને રબારી,ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા રજુઆત કરી છે.સાથે સાથે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ બાબતે પણ એમને વાકેફ કર્યા છે.

  આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રોને લીધે આદિવાસીઓના કયા ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે.એ મામલે પણ અમે પીએમ મોદીને વિસ્તૃત રીતે વાકેફ કર્યા છે.દરમ્યાન પીએમ મોદીએ અમને શાંતિથી સાંભળ્યા અને વિશ્વાસ આપ્યો છે કે આદિવાસીઓ સાથે જરૂર ન્યાય થશે.જ્યારે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે હાલ આદિવાસીઓ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે એ મામલે અમેં પીએમ મોદીને મળ્યા હતા.પીએમ મોદી આ મામલે ગુજરાત સરકાર સાથે વિસ્તૃત ચર્ચા કરશે અને એ બાદ યોગ્ય કાર્યવાહી કરી નિર્ણય લેવાશે એવો પીએમ મોદીએ અમને વિશ્વાસ આપ્યો છે.