બાળકો પ્રવાસે જવા નીકળ્યા અને પહોંચ્યા હોસ્પિટલ : અંક્લેશ્વર થી સ્કૂલની બસ સાપુતારા પ્રવાસે જતી વેળા ચીખલી પાસે પલ્ટી જતા ૨૩ બાળકો ઈજાગ્રસ્ત તો ૩ની હાલત ગંભીર.

 • બાળકો પ્રવાસે જવા નીકળ્યા અને પહોંચ્યા હોસ્પિટલ : અંક્લેશ્વર થી સ્કૂલની બસ સાપુતારા પ્રવાસે જતી વેળા ચીખલી પાસે પલ્ટી જતા ૨૩ બાળકો ઈજાગ્રસ્ત તો ૩ની હાલત ગંભીર.

  • 10-02-2020
  • 369 Views

  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ૩ વિદ્યાર્થીને સુરત ખસેડાયા.

  લક્ઝરી બસમાં ૫૪ જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા.

  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો.આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે ૫:૩૦ વાગ્યે ચીખલી નજીક પલટી મારી ગઈ હતી.જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત ૨૩ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ૩ વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

  સ્કૂલના આચાર્ય રમણભાઈ ગોહિલએ જણાવ્યું હતું કે, આરટીઓ,શિક્ષણાધિકારી,જિલ્લા પંચાયત,પોલીસ સહિતની જરૂરી પરમીશન લઈને નીકળ્યાં હતાં.એક જ દિવસના પ્રવાસે જવાનું હોવાથી અમે વાલીઓની પરમીશન લઈને સવારે થોડી વહેલી બસ ઉપાડી હતી. કુલ ૫૪ વિદ્યાર્થીઓ સાથે નીકળ્યાં હતાં.આ દરમ્યાન વળાંકમાં કોઈ વાહન આવ્યું કે શું થયું એ અમે ઊંઘમાં હોવાથી ખબર ન રહી અને બસ પલ્ટી મારી ગઈ પછી તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને અન્ય બસની વ્યવસ્થા કરીને તમામને ઘર તરફ મોકલી દેવામાં આવ્યાં છે. મોટાભાગના વિદ્યાર્થીઓને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે ત્રણેક વિદ્યાર્થીઓને ફ્રેક્ચર થયા છે.બે વર્ષ પહેલા લીધેલી બસનું ફિટનેસ સર્ટી હતું- બસ માલિકસ્કૂલના પ્રવાસે ગયેલી બસના માલિક ગજેન્દ્રસિંગે જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ જ ૨૦૧૦ ના મોડલની બસ લીધી હતી.સ્કૂલ બસનો પ્રવાસ ઉપાડી સાપુતારા જતા હતા અવનિશ નામનો ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો.આ દરમ્યાન રાનકુંવા થી વાંસદા રોડ પર અચાનક ફોર વ્હિલવાળો વળાંકમાં આવી ગયો હતો.તેને બચાવવા જતાં બસ અચાનક થાંભલા સાથે અથડાઈને ઊંધી વળી ગઈ હતી.હું ડ્રાઈવર ની બાજુમાં હતો અને મને હાથ અને પગે ઈજાઓ થતાં ચીખલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.બસમાં ધોરણ ૪ થી ૮ ના વિદ્યાર્થીઓ સવાર હતા.

  મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરના અમૃતપુરામાં જિલ્લા પંચાયત શિક્ષણ સિમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે.ધોરણ ૪થી ૮ ના વિદ્યાર્થીઓના સાપુતારા પ્રવાસના આયોજનને લઈને આજે વહેલી સવારે મળસ્કે 4 વાગ્યે 54 વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસ જીજે ૦૧ બીવી ૯૫૯૩ માં અંકલેશ્વર થી નીકળ્યા હતા. દરમિયાન સવારે ૫:૩૦ વાગ્યે ચીખલી નજીક રાનકૂવાથી વાંસદા રોડ પર કુકેરીચકરીયા ગામ નજીક સ્કૂલ પ્રવાસની બસ પલટી મારી ગઈ હતી.પ્રવાસી બસને અકસ્માત નડતા રોડ વિદ્યાર્થીઓની ચીચયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો.ચાર લોકોશેનની ૧૦૮ દ્વારા કામગીરી કરાઈલક્ઝરી બસ પલટી મારી જતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ ૧૦૮ ને જાણ કરી વિદ્યાર્થીઓને બસ માંથી બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી.દરમ્યાન અનાવલ, ચીખલી, કાંકલ, લીમઝર લોકેશનના ૧૦૮ ના ઈએમટી-પાયલોટ દોડી આવ્યા હતા અને ૨૩ જેટલા ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી અને નવસારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન વધુ ત્રણની તબિયત લથડતા સુરત સિવિલ ખસેડ્યા હતા.ફર્સ્ટ પર્સનઃ બસ રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યોભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક લક્ઝરી બસ સ્પીડમાં પસાર થઈ હતી. ત્યારબાદ અચાનક રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો હતો. હું દોડી ને ગયો તો બાળકોની ચીચયારી સંભળાતી હતી. તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી પલટી ખાય ગયેલી લકઝરી બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી ૧૦૮ ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં ૫૪ બાળકો હતા જેમાં ૨૩ ને ગંભીર ઈજા થઈ હતી. જેમાં ૩ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

  વળાંક ડ્રાઈવરના ધ્યાનમાં નહીં આવ્યો હોય- સ્થાનિકરમણભાઈ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, કુકેરીચકરીયા નજીક જ્યાં સ્કૂલના પ્રવાસની બસ પલટી મારી ગઈ છે તે જગ્યાએ ભયજનક વળાંક આવેલો છે.કદાચ ડ્રાઈવરના ધ્યાનમાં આ વળાંક ન આવ્યો હોય અને બસ પલટી મારી ગઈ હોય તેમ લાગે છે.

  અમે ઊંઘમાં હતા અને ભારે અવાજ આવ્યો- વિદ્યાર્થી ૧૩ વર્ષના અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હું ઊંઘમાં હતો બસ તો ચારેક વાગ્યા આસપાસ ઉપડી હતી.પરંતુ અચાનક અવાજ આવ્યો અને પ્રચંડ ઝટકો લાગ્યો હતો.જાગીને જોયું તો તમરી ચડી ગઈ હતી. ઘડીક તો કશું જ સમજાયું નહીં. પછી બધા રાડા રાડ કરી રહ્યા હતાં.અમને શિક્ષકોએ બહાર કાઢ્યાં હતાં.

   

  ઈજાગ્રસ્તોના નામ...

  નિમેષ વસાવા ઉંમર: ૧૨ વર્ષ 

  મહેક રાજેશ વસાવા ઉંમર: ૧૩વર્ષ 

  અમિત વસાવા ઉંમર: ૧૩ વર્ષ  

  ભૂમિ અશોક ઉંમર : ૧૨ વર્ષ 

  ઈશા વસાવા ઉંમર : ૧૭ વર્ષ  

  પૂનમ ગંગા ઉંમર : ૫૦ વર્ષ 

  નિધિ કૈલાશ ઉંમર: ૧૨ વર્ષ 

  નેહલ વાઘેલા ઉંમર: ૩૬ વર્ષ 

  તરમલ ઉંમર: ૧૩ વર્ષ