અનુપમ ખેરે નસીરુદ્દીન શાહને આપ્યો તમતમતો જવાબ, ધારદાર શબ્દોથી કાઢી દીધી ધૂળ

Published on BNI NEWS 2020-01-23 15:19:20

  • 8 hours ago
  • 4952 Views

  વિતેલા દશકની સૌથી સારી ફિલ્મોમાં ‘એ વેડનસડે’માં અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા, પરંતુ અત્યારે બંને કલાકારોની વચ્ચે બધું જ ઠીક નથી ચાલી રહ્યું. સીએએ-એનઆરસી પ્રોટેસ્ટની વચ્ચે બોલીવુડનાં આ વેટરન સ્ટાર્સની વચ્ચે ગરમાગરમી જોવા મળી રહી છે. એક ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને લઇને તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે અનુપમ ખેરને ‘જોકર’ ગણાવ્યા અને તેમેને ગંભીરતાથી ના લેવાની વાત કહી હતી. હવે આ મામલે અનુપમ ખેરે પણ વળતો સણસણતો જવાબ આપ્યો છે.

  સફળતા છતા આખી જિંદગી ફસ્ટ્રેશનમાં જ વિતાવી

  અનુપમ ખેરે એક ટ્વિટ કર્યું અને આ ટ્વિટની સાથે એક વિડીયો પણ પોસ્ટ કર્યો. તેમણે કહ્યું કે, “ડિયર નાસીર જી, મે તમે આપેલું ઇન્ટરવ્યૂ જોયું. તમે મારી પ્રશંસામાં કેટલીક વાતો કહી કે હું જોકર છું, મને ગંભીરતાથી ના લેવો જોઇએ, આ મારા ખૂનમાં છે વગેરે વગેરે. આ પ્રશંસા માટે આભાર, પરંતુ હું તમને અને તમારી વાતોને જરા પણ ગંભીરતાથી નથી લેતો. જો કે મે ક્યારેય પણ તમારા વિશે ખરાબ નથી કહ્યું, પરંતુ આજે જરૂર કહેવા ઇચ્છીશ કે તમે તમારી આખી જિંદગી આટલી સફળતા મળ્યા છતા ફસ્ટ્રેશનમાં જ વિતાવી છે.”

  જે પદાર્થોનું સેવન કરો છો તેની અસરથી નથી સમજાતો સત્ય-અસત્યનો ભેદ

  તેમણે આગળ કહ્યું કે, “તમે દિલીપ કુમાર સાહેબની, અમિતાભ બચ્ચનની, રાજેશ ખન્ના સાહેબની, શાહરૂખ ખાનની, વિરાટ કોહલીની ટીકા કરી શકો છો તો પછી મને લાગે છે હું પણ એક સારી કંપનીમાં છું અને આમાંથી કોઈએ પણ તમારા સ્ટેટમેન્ટસને ગંભીરતાથી નથી લીધા, કેમકે અમે બધા જાણીએ છીએ કે આ તમે નહીં, પરંતુ આ વર્ષોથી તમે જે પદાર્થોનું સેવન કરતા આવ્યા છે તેના કારણથી શું સાચું છે અને શું ખોટું તેનું અંતર જ તમને ખબર નથી પડતી. મારા વિશે ખરાબ બોલવાથી જો તમે એક-બે દિવસ ચર્ચામાં આવી શકો છો તો હું તમેન આ ખુશી ભેટમાં આપું છું. અને તમે જાણો છો કે મારા લોહીમાં શું છે? મારા લોહીમાં હિંદુસ્તાન છે, આને સમજી જાઓ બસ.”

  નસીરુદ્દીને અનુપમ ખેરને કહ્યા હતા જોકર

  આ પહેલા નસીરુદ્દીન શાહે પણ અનુપમ ખેરની સીએએ-એનઆરસીનો સપોર્ટ કરવાને લઇને ટિકા કરી હતી. તેમણે કહ્યું હતુ, “અનુપમ એક જોકર છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. એનએસડી, એનએફટીઆઈઆઈનાં સમયનાં તેમના અનેક સમકાલીન લોકો તેમના સાઇકોપૈથ નેચર વિશે જણાવી શકે છે, આ તેમના લોહીમાં છે. પરંતુ બાકીનાં લોકો જેઓ આનું સમર્થન કરી રહ્યા છે તેમણે નિર્ણય કરવો જોઇએ કે આખરે તેઓ કોનો સપોર્ટ કરી રહ્યા છે. તેમને આપણે આપણી જવાબદારી બતાવવાની જરૂર છે, અમે જાણીએ છીએ કે અમારી જવાબદારી શું છે.”