25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે, ઋતુ પરિવર્તન સમયે 4 નવરાત્રિ ઉજવવામાં આવે છે

Published on BNI NEWS 2020-01-23 15:27:10

  • 23-01-2020
  • 8952 Views

  25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. જે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. વર્ષમાં આવતી 4 નવરાત્રિ ઋતુઓ બદલાય તે સમયે આવે છે. વર્ષમાં બે ગુપ્ત નવરાત્રિ આવે છે. પહેલી મહા મહિનાના સુદ પક્ષમાં અને બીજી અષાઢ મહિનાના સુદ પક્ષમાં. આ નવરાત્રિમાં વિશેષ કામનાઓની સિદ્ધિ કરવામાં આવે છે.

  ઋતુ પરિવર્તન વખતે નવરાત્રિ ઉજવવામાં આવે છેઃ-
  વર્ષમાં આવતી 4 નવરાત્રિ ઋતુ પરિવર્તન સમયે આવે છે. તેમાં આસો મહિનામાં આવતી નવરાત્રિ શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. જે શરદ ઋતુ સમયે આવે છે. આ સિવાય ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિને વાસંતિકા નવરાત્રિ કહેવામાં આવે છે. ત્યાં જ મહા મહિનામાં આવતી નવરાત્રિ શિશિર ઋતુમાં આવે છે. આ સિવાય અષાઢ સુદ પક્ષમાં આવતી નવરાત્રિ વર્ષા ઋતુમાં ઉજવાય છે.

  ગુપ્ત નવરાત્રિ વિશેષ ઇચ્છા પૂર્તિ અને સિદ્ધિ માટે હોય છેઃ-
  મહાકાળ સંહિતા અને તમામ શાક્ત ગ્રંથોમાં આ ચારેય નવરાત્રિનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તેમાં વિશેષ પ્રકારની ઇચ્છા પૂર્તિ તથા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે. આ વખતે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ 25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી રહેશે. આસો અને ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિમાં જ્યાં ભગવતીના નવ સ્વરૂપોની આરાધના થાય છે, ત્યાં જ ગુપ્ત નવરાત્રિમાં દેવીના દશ મહાવિદ્યા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે.

  સાધનાને ગુપ્ત રાખવામાં આવે છેઃ-
  ગુપ્ત નવરાત્રિની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે અને સાધક માટે આ વિશેષ ફળદાયક છે. સામાન્ય નવરાત્રિમાં મોટાભાગે સાત્વિક અને તાંત્રિક બંને પ્રકારની પૂજા કરવામાં આવે છે, ત્યાં જ, ગુપ્ત નવરાત્રિમાં મોટાભાગે તાંત્રિક પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં મોટાભાગે વધારે પ્રચાર કરવામાં આવતો નથી, સાધક તેમની સાધનાને ગુપ્ત રાખે છે. ગુપ્ત નવરાત્રિમાં પૂજા અને મનોકામનાઓ જેટલી વધારે ગુપ્ત રાખવામાં આવે, સફળતા તેટલી જ વધારે મળે છે.

  ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિઃ-
  ચૈત્ર અને શારદીય નવરાત્રિની તુલનામાં ગુપ્ત નવરાત્રિમાં દેવીની સાધના વધારે મુશ્કેલ હોય છે. આ દરમિયાન માતા દુર્ગાની આરાધના ગુપ્ત રાખવામાં આવે છે. માટે જ, તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. આ નવરાત્રિમાં માનસિક પૂજાનું મહત્ત્વ છે. વાંચન પણ ગુપ્ત હોય છે એટલે મંત્ર પણ મનમાં જ વાંચવામાં આવે છે. આ દિવસોમાં સાવધાની રાખવી પણ જરૂરી છે. ગુપ્ત નવરાત્રિ માત્ર તાંત્રિક વિદ્યા માટે જ હોય છે તેવો કોઇ નિયમ નથી.

  દેવી સતીએ 10 મહાવિદ્યાઓનું પ્રદર્શન કર્યું હતુંઃ-
  ભગવાન શંકર પાસે સતીએ જિદ્દ કરી કે તેઓ તેમના પિતા દક્ષ પ્રજાપતિને ત્યાં અવશ્ય જશે. પ્રજાપતિએ યજ્ઞમાં સતીને કે ભગવાન શંકરને આમંત્રણ આપ્યું નહોતું. શંકરજી કહ્યું કે, વિના આમંત્રણે તેઓ ક્યાંય જતાં નથી. પરંતુ સતી જિદ્દ પર અડગ રહ્યાં. સતીએ તે સમયે પોતાની દસ મહાવિદ્યાઓનું પ્રદર્શન કર્યું હતું.

  ભગવાન શિવે સતીને પૂછ્યું કે આ કોણ છે, ત્યારે સતીએ જણાવ્યું કે આ મારા દસ સ્વરૂપ છે. સામે કાળી, વાદળી રંગમાં દેવી તારા. પશ્ચિમમાં છિન્નમસ્તા, ડાબે ભુવનેશ્વરી, પીઠ પાછળ બદલામુખી, પૂર્વ-દક્ષિણમાં ઘૂમાવતી, દક્ષિણ-પશ્ચિમમાં ત્રિપુર સુંદરી, પશ્ચિમ-ઉત્તરમાં માતંગી તથા ઉત્તર-પૂર્વમાં ષોડશી છે. હું સ્વયં ભૈરવી સ્વરૂપમાં અભયદાન આપું છું. આ જ દસ મહાવિદ્યાઓએ ચંડ-મુંડ અને શુભ્ભ-નિશુભ્ભ વધ સમયે દેવીએ અસુરો સાથે યુદ્ધ કર્યું હતું.