શનિદેવનો મકરમાં પ્રવેશ, કુંભ રાશિની સાડા સાતી પનોતી શરૂ, જાણો તમારા પર કેવી થશે અસર

Published on BNI NEWS 2020-01-23 15:14:47

  • 23-01-2020
  • 4041 Views

  ગ્રહમંડળમાં ન્યાયાધીશ ગણાતા અને રાશિજાતકોના કર્મ પ્રમાણે સજાનું નિર્માણ કરતા શનિદેવ આગામી શુક્રવારે રાશિ પરિવર્તન કરવાની સાથે જ વિવિધ રાશિજાતકો પર અસર કરશે. ગ્રહ મંડળમાં સૌથી લાંબું ચાલતા ગ્રહ તરીકે શનિદેવ અઢી વર્ષ ધન રાશિમાં ભ્રમણ કર્યા બાદ હવે મકર રાશિમાં પ્રવેશ કરશે. દરમિયાન કુંભ રાશિમાં પહેલો, મકર રાશિમાં બીજો અને ધન રાશિમાં સાડા સાતીનો છેલ્લો તબક્કો શરૂ થશે.
  શનિદેવના રાશિ ભ્રમણ સાથે જ સાડા સાતી અને નાની પનોતીનું નિર્માણ થતું હોય જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. શનિદેવના રાશિભ્રમણને આધારે ધાર્મિક ક્રિયા, સેવાકાર્યની પણ જોગવાઇ કરવામાં આવે છે. શનિદેવ કોઇ એક રાશિમાં અઢી વર્ષ એટલે કે 30 મહિના સુધી ભ્રમણ કરે છે.
  જે અંતર્ગત શનિ મહારાજ છેલ્લે 26 ઓક્ટોબર-2019ના રોજ કારતક સુદ છઠ્ઠના ગુરુવારે બપોરે 3.30 વાગ્યાથી ધન રાશિમાં ભ્રમણ કરતા હતા. તે શની મહારાજ હવે પોષ વદ-અમાસના શુક્રવારે 24  જાન્યુઆરીના રોજ સવારે 9.51 કલાકથી મકર રાશિમાં પ્રવેશ કરીને ભ્રમણ શરૂ કરશે. તે મુજબ રાશિ પ્રમાણે પનોતી શરૂ અને પૂરી થશે. કુંભ રાશિમાં સાડા સાતીનો પ્રથમ, મકર રાશિમાં બીજો અને ધન રાશિમાં છેલ્લો તબક્કો શરૂ થશે. જ્યારે મિથુન અને તુલા રાશિમાં નાની પનોતી શરૂ થશે.
  શાસ્ત્રી ડો.કર્દમ દવેએ જણાવ્યું હતું કે, ગ્રહોમાં શની સૌથી ધીમી ગતિએ ચાલે છે. તેમાં ગભરાવવાની કોઇને જરૂર હોતી નથી. શનિ ન્યાયાધીશ છે. જેવા કર્મ છે તે પ્રમાણે સજાનું નિર્માણ કરે છે, પણ સજા આપવાનું કામ રાહુ કરે છે. સજા સુનાવવાની કામગીરી શનીની છે. જ્યારે તેનો અમલ કરવાનું કામ રાહુનું છે.
  સાડા સાતીના ત્રણ તબક્કા હોય છે. અઢી વર્ષ પ્રમાણે પહેલો, બીજો અને ત્રીજો તબક્કો ગણવામાં આવે છે. જ્યારે નાની પનોતીનો તબક્કો હોતો નથી. તે માત્ર અઢી વર્ષની જ હોય છે. પનોતી ત્રણ જગ્યા અને ત્રણ પાયાની હોય છે. માથું, છાતી અને પગ એમ ત્રણ તબક્કામાં ચાલે છે. જ્યારે લોઢા, સોના અને રૂપાનો પાયો હોય છે. સોના, લોઢાનો પાયો કષ્ટદાયક, જ્યારે રૂપાનો પાયો શુભ ગણાય છે.
  પનોતી માથા પર હોય તો માનસિક ત્રાસ, છાતી પર હોય તો ચિંતા, પગ પર હોય તો સારું કામ કરે છે. જ્યારે મેષ, સિંહ, કર્ક અને મીન રાશિને શનિદેવના ભ્રમણને પગલે પનોતી કે કોઈ અસર અઢી વર્ષ સુધી થશે નહીં.