30 વર્ષ પછી દુર્લભ સંયોગ, ગુપ્ત નવરાત્રિમાં શનિ પોતાની જ રાશિ મકરમાં મળશે વિશેષ ફળ

Published on BNI NEWS 2020-01-23 15:10:39

  • 23-01-2020
  • 2961 Views

  નવરાત્રિ નવ એટલે 9 અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શનિવાર, 25 જાન્યુઆરીથી માઘ એટલે કે માહ મહિનાની નવરાત્રિ શરૂ થઇ રહી છે. તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે.
  આ પણ વાંચો: કેવું પરિણામ મળે જ્યારે કુંડળીમાં રાહુ-કેતુ સાથે બને મંગળનો સંયોગ?
  એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. તેમાંથી 2 સામાન્ય અને 2 ગુપ્ત હોય છે. ચૈત્ર-આસો મહિનામાં સામાન્ય અને માહ-અષાઢમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. 24 જાન્યુઆરીએ 30 વર્ષ પછી શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર શનિની જ રાશિ છે. શનિ અને દુર્ગામાં સાથે રહેવાથી વિશેષ ફળ દાયક બનશે આ વખતની ગુપ્ત નવરાત્રિ. માહ મહિનાના સુદ પક્ષમાં ગુપ્ત નવરાત્રિ ઉજવવામાં આવે છે. આ દિવસોમાં દેવી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સોમવાર, 3 ફેબ્રુઆરીએ નોમ તિથિ રહેશે.
  આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રિના પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આહવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રિમાં વ્રત પણ કરે છે.
  ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રિમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે
  દેવી માતાના 9 સ્વરૂપોની થાય છે પૂજા અર્ચના
  નવરાત્રિમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી આ નવ સ્વરૂપોની વિશેષ પૂજા વિવિધ દિવસે કરવામાં આવે છે.
  ગુપ્ત નવરાત્રિમાં ખાસ દસ મહાવિદ્યાઓની થાય પૂજા
  ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાની પણ પૂજા થાય છે. આ મહાવિદ્યાઓ માતા કાળી, તારા દેવી, ષોડષી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવી છે. આ વિદ્યાઓની કાદિ, હાદિ, સાદિ ક્રમથી ઉપાસના કરવામાં આવે છે. કાળીકુળ અંર્તગત કાળી, તારા અને ઘૂમાવતી આવે છે. અન્ય વિદ્યાઓ શ્રીકુલ અંર્તગત માનવામાં આવે છે. દસ મહાવિદ્યાઓની પૂજા યોગ્ય ગુરૂ વિના કરી શકાતી નથી.