ભરૂચના અંબિકા જ્વેલર્સની લૂંટના કેસમાં પિસ્તોલ, ત્રણ કારતુસ અને મોપેડ પોલીસે જપ્ત કર્યા.

Published on BNI NEWS 2020-09-14 18:42:56

  • 14-09-2020
  • 261 Views

  પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી મેળવ્યા સહિતની તપાસ શરૂ.
  ભરૂચના ચકચારી અંબિકા જ્વેલર્સની લૂંટની ઘટનામાં  વાપરેલી એક પિસ્તોલ તેમજ ૩ જીવતા કારતૂસ સુરતથી પોલીસે જપ્ત કર્યા છે.તો દહેજના વડદલાથી પોલીસે આરોપીઓનું મોપેડ પણ જપ્ત કર્યું છે.ભરૂચના હાર્દસમા પાંચબત્તી સર્કલ પાસે આવેલી અંબિકા જ્વેલર્સ માં ધોળે દિવસે થયેલી ચકચારી લૂંટના બનાવ પોલીસે ૪૮ કલાકમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડી ૧૧ દિવસના રીમાન્ડ મેળવી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.આ ચકચારી લૂંટના બનાવમાં આરોપીઓએ ૪ રાઉન્ડ ફાયરિંગ કરતાં બે જ્વેલર્સ ઘવાયા હતા.જે બાદ જ્વેલર્સના પિતરાઈભાઈએ એક લૂંટારૂને પકડવાનો પ્રયાસ કરતા તેની પિસ્તોલ હાથ માંથી પડી ગઈ હતી. જે પોલીસે કબ્જે લીધી હતી.પરંતુ બીજી પિસ્તોલ તેમજ આરોપીઓએ ગુનામાં વપરાયેલું મોપેડ શોધવાની કવાયત હાથધરી હતી.આરોપીઓના રીમાન્ડ મંજૂર થતાં પોલીસે તેમને સાથે રાખી સુરત ખાતે તપાસનો દૌર આગળ ધપાવ્યો હતો.
  જેમાં પોલીસને સૂરત થી ગુનામાં વપરાયેલી બીજી પિસ્તોલ તેમજ ૩ જીવતા કારતૂસ પણ મળી આવ્યાં હતા અને લૂંટ કરી એક આરોપી દહેજ તરફ ભાગ્યો હતો તેણે વડદલા ગામે તેનું મોપેડ મુકી ત્યાંથી ખાનગી ટ્રાન્સપોર્ટ માં સુરત પહોંચ્યો હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું હતું.જેના પગલે દહેજ પાસેના વડદલા ગામેથી તેનું મોપેડ પણ પોલીસે કબ્જે કર્યું હતું.
  પિસ્તોલ,૩ જીવતા કારતુસ અને મોપેડ જપ્ત કરી હવે આરોપીઓ આ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા.અન્ય કોઈ ગુનામાં તેનો ઉપયોગ થયો છે કે કેમ તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની વિગતો મેળવવાની કવાયત પોલીસે હાથધરી  તપાસને વેગવંતી બનાવી છે.