આમોદમાં વન વિભાગની કચેરી પાસે મળેલી લાશ બાબતે હત્યાનો ગુનો નોંધાયો : પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં હત્યાનો ખુલાસો થતા ખળભળાટ.

 • આમોદમાં વન વિભાગની કચેરી પાસે મળેલી લાશ બાબતે હત્યાનો ગુનો નોંધાયો : પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં હત્યાનો ખુલાસો થતા ખળભળાટ.

  • 12-02-2020
  • 43 Views

  આમોદમાં ગત ૨૨ મી જાન્યુઆરીએ આમોદ વન વિભાગની કચેરી પાસે મળસ્કે એક યુવાનની લાશ મળી હતી.જે બાબતે આમોદ પોલીસે જે તે સમયે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અને હત્યા હોવાની આશંકા સાથે એફએસએલ ની પણ મદદ લઇ લાશનો કબજો લઈ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.જે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં યુવાનની હત્યા થઈ હોવાનો ખુલાસો થતા હાલ સર્કલ પોલિસ ઈન્સ્પેક્ટર જંબુસર તપાસ કરી રહ્યા છે.

  આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરના દરબારી મસ્જિદ પાસે રહેતો સઈદ રશીદ રાણા ૨૨ મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરે થી સવારે ૫:૩૦ કલાકે પાદરા તાલુકાના માસારોડ પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી જવા માટે નીકળ્યો હતો.જે અરસામાં આમોદના વન વિભાગની કચેરી પાસે આરસીસી રોડ ઉપર સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યા દરમ્યાન તે લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જેના માથાના ભાગે તેમજ કાનના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

  આમોદ પોલીસે જે તે સમયે અકસ્માત ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથધરી હતી.જોકે મૃત યુવકને માથાના ભાગે તેમજ કાનના ભાગે ગંભીર ઈજાઓ જોતા તેનું પડી જવાથી મોત થયું છે કે પછી કોઈએ હત્યા કરી છે.જે બાબતે આમોદ પોલીસે એફએસએલની પણ મદદ લીધી હતી અને બાજુની શાળાના સીસીટીવી ફૂટેજ પણ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યાની આશંકના પગલે આમોદ પોલીસે મૃત યુવાનનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.જે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં યુવાનની હત્યા થઈ હોવાનો ખુલાસો થતા આમોદ નગરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.આમોદ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો.હાલ જંબુસરના સર્કલ પોલીસ ઈન્સ્પેકટર તપાસ ચલાવી રહ્યા છે.

  જોકે મૃતક સઈદ રશીદ રાણાના મોતને મામલે આમોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પરંતુ કોઈ ચોક્કસ કડી ના મળતા આમોદ પોલીસને નિરાશા સાંપડી હતી.ત્યારે હવે યુવાનની હત્યા થઈ હોવાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલાસો થતા જંબુસરના સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર હત્યારાઓ ને શોધવા માટે  કવાયત હાથધરી છે.