ઝઘડિયા પોલીસ મથકની હદમાં થયેલ બે મોટી ઘરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ ચોરો કરતા પાછળ.

Published on BNI NEWS 2020-02-12 13:23:22

  • 12-02-2020
  • 439 Views

  (પ્રતિનિધિ : જયશીલ પટેલ,ઝઘડિયા)

  ઘટનાના વીસ દિવસના સમયગાળા દરમ્યાન પોલીસ કોઈ ચોક્કસ તપાસ કરી શકી નથી.

  તા. ૨૫ અને ૨૮ જાન્યુઆરીની ચોરીની ઘટનામાં એલસીબી અને સ્થાનિક પોલીસ ઠેરની ઠેર.

  વારંવાર બનતી ચોરીની ઘટનાઓ અને તે ઘટનાઓનો ભેદ ઉકેલાતો નથી તેની પાછળ સરકારી એજન્સીઓની ઈચ્છાશક્તિનો અભાવ માની શકાય !    

  ઝઘડિયા પોલીસ મથકની હદમાં થયેલ બે મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસ અને એલસીબી નિષ્ફળ રહી છે. આંતરરાજ્ય ટોળકીને ઝબ્બે કરનાર ટીમો ને  સ્થાનિક ઘરફોડ ચોરેને ઝબ્બે કરવામાં પરસેવો પડી રહ્યો છે છતાં ચોરો પોલીસ ની પહોંચથી જોજનો દૂર છે.ઝઘડિયાના રાણીપુરા અને ઝઘડિયાની મારુતિ રેસિડન્સી સોસાયટીની  કુલ ૨૭ તોલા ના સોનાના ઘરેણાંની ચોરીના તસ્કરો હજી પોલીસના હાથ લાગ્યા નથી.

  ઝઘડિયા પંથકમાં થયેલ ઝઘડિયા અને રાણીપુરાની ધરફોડ ચોરીમાં તપાસ કરનાર ઝઘડિયા પોલીસ અને જિલ્લા એલસીબી ઠેર ની ઠેર છે.ઘટનાના દિવસે ધમ પછાડા કરનાર તપાસ કરનાર ટીમો વીસ દિવસના સમયગાળા દરમિયાન કઈ ઉકાળી શકી હોઈ તેમ લાગતું નથી. ચોરી કરનારાઓ અને તેને મદદરૂપ થનારાઓ બિન્દાસ્ત ફરતા હશે ! ગત ૨૫ મી એ રાણીપુરા ગામે થી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી વીસ તોલા ના સોનાના ઘરેણાં ચોરી કરી ગયા હતા.ઝઘડિયા પોલીસ દ્વારા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, ડોગ સ્ક્વોડ, મોબાઈલ નેટવર્ક એક્સપર્ટને બોલાવી તસ્કરોને ઝડપી લેવા તપાસ આરંભી હતી.પોલીસે સ્થાનિક વિસ્તાર માંથી શકમંદોને પણ તપાસ્યા હતા પરંતુ ત્યારબાદ પોલીસ વધુ કઈ સફળતા મેળવી શકી નથી ! રાણીપુરાની ચોરી બાદ ત્રીજા દિવસે ઝઘડિયાની મારુતિ રેસિડન્સી સોસાયટીમાં રાણીપુરાની ચોરીને જેમ જ બંધ મકાનનુ તાળું તોડી સાત તોલા થી વધુ સોનાના ઘરેણાં ચોરી થયા હતા. અહીં પણ ઝઘડિયા પોલીસે જોર શોરમાં તપાસ આરંભી હતી પરંતુ ચોરીની આ ઘટનામાં પણ પોલીસને ચોરોના કોઈ સગડ મળ્યા હોઈ તેમ લાગતું નથી.આ બંને ચોરીની મોટી ઘટનામાં ઝઘડિયા પોલીસ જેટલી ગાજી એટલી વરસી નહિ તેમ લાગી રહ્યું છે. ઝઘડિયા અને રાણીપુરાની ચોરી રજૂઆત રાણીપુરા ખાતે યોજાયેલ જિલ્લા કલેક્ટરના રાત્રી સભા કાર્યક્રમમાં પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરમાં ખાતરી આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી પરંતુ પોલીસ હજી સુધી ઘરફોડ ચોરો સુધી પહોંચી શકી નથી.ત્રણ દિવસના સમય ગાળા દરમિયાન એકજ પોલીસ મથકની હદમાંથી બે અલગ અલગ ચોરીમાં ૨૭ તોલા થી વધુના સોનાના ઘરેણાં ચોરી થઈ અને જવાબદાર તંત્ર દ્વારા તેની યોગ્ય ગંભીરતા નહિ લેવાઈ તેવા સંજોગોમાં ચોરોને પ્રોત્સાહન મળે તેમ કઈ નવાઈ નથી. લાખોની ઘરફોડ ચોરીની તપાસમાં સ્થાનિક પોલીસ અને તપાસકર્તા અધિકારીઓની તસ્કરોને દબોચવાની ઈચ્છાશક્તિ પણ જરૂરી છે. આજે પણ સ્થાનિકોમાં ઘરફોડ ચોરોનો ભય ગામડાઓમાં યથાવત રહ્યો છે.